રાજકોટમાં સિટી બસ સેવા કથળી: સુધારો નહીં થાય તો છાત્રો આંદોલનના મૂડમાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફરી એકવાર સિટી બસ સેવા વિવાદમાં આવી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, બસના ડ્રાઈવરો-કંડક્ટરો છાત્રો સાથે ગેરવર્તન કરે છે તેમજ કેટલીક ખખડધજ બસો છે તેમજ બસ અનિયમિતને લઈને મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. બસ અનિયમિત, ડ્રાઈવરો-કંડક્ટરોની ફરિયાદને લઈ ગજઞઈં દ્વારા આ મામલે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ એવું પણ કીધું હતું કે, આ મામલે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
રાજકોટ શહેર ગજઞઈં પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ચાલતી સિટી બસ સેવાનો સૌથી વધુ ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. જોકે આમ છતાં જુદી-જુદી બસોના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થિનીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. તેમજ બસો સમયસર ચાલતી નહીં હોવાથી શાળા-કોલેજે જતા છાત્રોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં બસો ખખડધજ હાલતમાં હોવાથી વિધાર્થીઓએ ધક્કા મારવા પડતા હોવાના બનાવો પણ બની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિટી બસની કથળતી સેવા અંગે છાત્રો દ્વારા અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આમ છતાં તંત્ર દ્વારા કોઈપણ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેને કારણે આજે ગજઞઈંની આગેવાનીમાં છાત્રો દ્વારા સીધી મ્યુ. કમિશનરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મામલે મનપા કચેરીનો ઘેરાવ કરવા સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ તો વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ સિટી બસ સેવા સુધારવા માટે મ્યુ. કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે, ત્યારે ખરેખર છાત્રોનાં પ્રશ્નો હલ થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. હાલ ગજઞઈં અને છાત્રો આક્રમક મૂડમાં હોવાથી જો સિટી બસ સેવામાં સુધારો નહીં થાય તો આ મુદ્દે ઉગ્ર આંદોલન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.