અગરિયાઓને પીવાનું પાણી 22 દિવસે પણ માંડ પહોંચે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
કચ્છનું નાનું રણ જે પ્રકારે દેશમાં પ્રસિધ્ધ છે તે પ્રકારે અહીં પકવવામાં આવતું મીઠું દેશમાં વપરાશ થતાં મીઠાના ઉપયોગમાં 75 ટકા અહીં ઉત્પાદન થાય છે. પરંતુ આ મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ હાલત દયનીય છે. વર્ષના આઠ મહિના સુધી રણમાં ટાઢ અને તડકો સહિતના હવામાન સામે ઝઝૂમી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓને પીવાનું પાણી પણ લગભગ 22 દિવસે નશીબ થતું હોય છે. જોકે રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા અગરિયાઓને પીવાના પાણી માટે રણમાં ટેન્કરની વ્યવસ્થા કરાય છે પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળો ઉપર જ ચાલતી હોય છે. બાકી ખરેખર રણમાં મીઠું પકવતા અગરિયાઓને 20 દિવસથી પણ વધુ સમય પાણી માટે રઝળપાટ કરવો પડે છે. જ્યારે 20 દિવસે ટેન્કર પાણી આપવા માટે આવે ત્યારે અગરિયાઓને પોતાના શરીરમાં જીવ આવતો હોય તેવું દૃશ્ય નજરે પડે છે. જીવન જરૂરિયાત ગણાતા પાણી માટે અગરિયા પરિવારો વારંવાર પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે ભીખ માંગે છે પરંતુ એસી ઓફિસમાં બેઠેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા અગરિયાઓની જરાય ચિંતા હોતી નથી જેથી કેટલીક વખત અગરિયા પાણી માટે ટેલીફોનીક સંપર્ક કરે તો પણ અધિકારીઓ ફોન ઉઠાવતા નથી ત્યારે કચ્છના નાના રણમાં 20 દિવસે અગરિયાઓને મળતું પાણી સરકારી કાગળો પર સમયાંતરે મળતું હોવાનું નજરે પડે છે જેથી કોન્ટ્રાક્ટ પર ચાલતા પાણી પહોંચાડવાના કામમાં પણ કોન્ટ્રાક્ટરો ગપચી મારી અગરિયાઓને તરસ્યા રાખે છે.
- Advertisement -