વેલેંટાઈન ડે આવે એટલે ઘણાને મોડર્ન દેખાવા માટેનો હડકવા ચડતો હોય છે અને આવા અડધિયાં નકલચીઓ કોઈ વિદેશી કરતા પણ ડબલ ઉત્સાહથી વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે..વેલેન્ટાઇન ડે ઉજવવામાં વાંધો નથી પણ તહેવારોને વેપલો બનાવી દેવાની ગંદી માનસિકતા સામે મોટો વાંધો દરેક ભારતીય ને હોવો જોઈએ.
શું તહેવારો વેપારને વેગ આપવા માટે હોય છે??!
જવાબ છે : ના……..જરાય નહિ. તહેવારો લોકો વચ્ચે કમ્યુનિટી બિલ્ડિંગ થાય , ઘર્ષણ ઘટે, પ્રેમ અને બોંડિંગ વધે એની માટે હોય છે. વેપાર માટે નહિ….
છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી ભારતમાં ઉદારીકરણની પોલિસી અમલમાં આવી છે. જેમાં ભારતને વિદેશી કંપનીઓ માટે એક બજાર તરીકે વિકસિત કરવાની અનુકુળતાઓ અને છૂટછાટ આપવામાં આવતી હોય છે. આ પોલીસીના મીઠા ફળ તો આપણે ચાખ્યા પણ હવે એના કડવા બીજ પણ ચાખવાનો સમય આવી
પહોંચ્યો છે.
- Advertisement -
ઉદારીકરણ થયા બાદ એક અપપ્રચાર સતત ચલાવવામાં આવે છે કે ઉત્સવો / તહેવારોથી અર્થતંત્રમાં તેજી આવે છે. ઘણા ઓછું જાણતા પણ પોતાને વિદ્વાન માનતા મુરખો એવું બકતા અને લખતા રહે છે કે તહેવારોનું કામ બજારને ગરમ રાખવાનું છે. તહેવારોને કારણે નાણાં ગતિમાં આવે છે , અર્થતંત્ર ગુલાબી રહે છે વગેરે વગેરે…
તહેવારોનું ખરું મહત્વ લોકોની વચ્ચેનું “બોન્ડિંગ” મજબૂત કરવાનું હોય છે. ભારતમાં તહેવારો લોકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે આવે છે, લોકો વચ્ચે ધનવાન-ગરીબ, ઊંચ-નીચ, પ્રાંત, ભાષા કે બીજા કોઈપણ પ્રકારના ભેદ હોય એને ઘટાડી દેવાનું કામ તહેવારો કરે છે.
લોકોને એક સરસ મજાની સોશિયલ બ્રેક આપવા માટે તહેવારો ડેવલપ થયેલા છે. તહેવારો કોઈ “અર્થતંત્ર”ને વેગ આપવાની ગણતરીથી શરૂ નથી થયા. આપણા તહેવારો ખર્ચ અને દેખાડાથી રહિત હોય છે. રક્ષાબંધન એક સુતરના દોરાથી ઉજવાઈ જાય છે તો દિવાળી ઘરે બનતી મીઠાઇઓથી..(ફટાકડા ફોડવાની પ્રથા સાવ નવી છે. તમારા દાદાને પૂછશો તો પણ કહેશે કે આજથી સીતેર થી સો વર્ષ પહેલા પણ દિવાળી એટલે ફટાકડા એવો કોઈ રિવાજ નહોતો) .. હોળી કંકુ અબીલ ગુલાલ ધૂળ કેસૂડાં અને પાણીથી ઉજવાઈ જાય તો નવરાત્રી સાથે મળીને ગરબા ગાવાથી.. એકેય તહેવારમાં ખાસ ખર્ચો નથી, કોઈ ભપકો નથી, કોઈ દેખાડો નથી.. બસ, બધા ભેદભાવ ભૂલીને ભેળા થવાનું છે અને નિર્દોષ આનંદ લૂંટવાનો છે !!
- Advertisement -
પણ છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દૂ /ભારતીય તહેવારો અને શુભ પ્રસંગો ખર્ચ, દેખાડો અને ભપકો કરવાના માધ્યમ બન્યા છે. માથે દેણું કરીને લગ્નો કરવાની કે તહેવારો ઉજવવાની હોડ ગરીબ અને લોઅર મિડલ ક્લાસના લોકોને દઝાડી રહી છે.
આ બધો ખેલ કોણે શરુ કર્યો ?
ચાલો જાણીએ…
પશ્ચિમમાં તહેવારો વેપલો કરવા માટેના અવસર છે. સૂર્યપ્રકાશ સાવ નબળો હોવાને લીધે યુરોપિયન લોકો સામાજિક લાગણીઓની અછત ધરાવે છે.યુરોપમાં માતા પિતા સંતાનો અને વડીલો વચ્ચેના સંબંધોમાં લાગણી ઓછી અને વ્યવહારિકતા વધારે જોવા મળે છે. આથી તેઓ ફાધર ડે, મધર ડે, ડોટર ડે જેવા અનેક દિવસો ઉજવવાનું શીખ્યા છે જેથી તેઓ તે બહાને એકબીજા સાથે જોડાઈ શકે.એક આડવાત કે ઇંગ્લેન્ડમાં એક સમયે મકાનમાં બારીઓ રાખવા ઉપર પણ ટેકસ હતો એટલે લોકો ઘરમાં બારીઓ પણ રાખતા નહિ. એકલવાયું અને સાહસિક જીવન જીવવા ટેવાયેલા યુરોપીયનોને ભારતીય લોકોની જેમ કૌટુંબિક સંબંધો અને લાગણીઓ સાવ નહિવત છે. એની પાછળનું કારણ ત્યાંનું ઠંડુ અને સૂર્યપ્રકાશ રહિત હવામાન છે જેને કારણે એમનામાં અમુક હોર્મોન બહુ ઓછાં બને છે અને તેઓ પ્રમાણમાં ઓછા લાગણીશીલ હોય છે.
ભારતમાં ગરમ હવામાનને લીધે અને સૂર્યપ્રકાશની છતને લીધે આપણામાં તે હોર્મોનની અછત નથી હોતી (જોકે હવે સતત એસી માં કે બખોલ જેવા ઘરોમાં રહેવા વાળાઓને હોર્મોનની અછત થાય છે) .. આમ, ભારતીયો લાગણીશીલ અને સામૂહિક જીવન જીવવા વાળી પ્રજા છે. આપણા તહેવાર માણસ સાથે માણસ ને મેળવવા માટેના ઉત્તમ ઉપાયો છે. આપણા તહેવાર એકબીજાને ફલાવર બુકે અથવા કાર્ડ આપવાની “ફોર્માલીટી” નથી. આપણા તહેવાર દુકાનોમાં ભરેલો માલ કાઢવા માટેની “સેલ સીઝન” નથી. વેલેન્ટાઇન ડે કે બીજા અનેક ડે ભારતમાં શરૂ થયા એને કારણે એક ભયાનક ગેરસમજ થઈ છે. આપણે પણ યુરોપિયનો કે અમેરિકનોની જેમ આપણા તહેવારોને ફોર્માલીટી, ખર્ચ, દેખાડો, ભપકો અને વેપલા કરવાના અવસર બનાવી દીધા છે.
આપણા તહેવાર જ્યા લોકો એકબીજાને મળીને “કમ્યુનિટી બિલ્ડિંગ ” કરે એની માટેના સાવ સરળ સહજ ઉપાયો હતા ત્યાં આપણે એને મૂર્ખ લાગણીહીન યુરોપીયનોની જેમ વેપલો કરવાના સાધન બનાવી
દીધા છે.
કમ્યુનિટી બિલ્ડિંગ શબ્દ આજે વિકસિત દેશોમાં બહુ ગવાય છે. કેમકે વિકસિત દેશોને સમૃદ્ધિના શિખરે બેસીને જાણ થઈ છે કે સમૃદ્ધિમાં પૂર્ણ સુખ નથી. ખરૂં સુખ બધાની સાથે બેસીને જમવામાં છે, બધાની સાથે બેસીને તહેવારો ઉજવવામાં છે… લોકો સાથે મળીને જમવાનું બનાવે એને વિકસિત દેશોમાં કમ્યુનિટી કિચન કહેવાય છે જ્યા લોકો હોંશે હોંશે ભાગ લે છે જેને કારણે લોકોમાં એકબીજા સાથેનું કનેક્શન અને બોન્ડિંગ મજબૂત થાય છે. સૌરાષ્ટ્રથી લઈને છેક આસામ સુધી અને કાશ્મીર થી લઈને છેક ઉડુપી સુધી આપણને સામૂહિક રસોડા મળી જાય છે જ્યા લોકો સેવા આપે છે અને સાથે મળીને જમે છે. એની મજા કાઇક ઓર હોય છે.શીખ સંપ્રદાયમાં લંગર( ખરો શબ્દ આનલગૃહ) પણ કમ્યુનિટી કિચનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
લોનલીનેસ એટલે કે એકલતા વિકસિત દેશોનો રાજરોગ છે. ત્યાં અનેક લોકો અનેક માનસિક સમસ્યાથી પીડિત છે જેનું એક મોટું કારણ એકલતા છે. સંતાનો પોતાના માબાપથી વિખૂટા રહે છે, લોકોને ખબર નથી કે પોતાના પાડોશમાં કોણ રહે છે..લોકો એકબીજા સાથે જોબ કરે છે પણ એકબીજા સાથે જરાય આત્મીયતા અનુભવતા નથી.
આ સમસ્યાનો ઉપાય આપણા શાણા વડવાઓ તહેવારો સ્વરૂપે આપી ગયા. એમણે આપણા તહેવારોને વેપલો બનાવવાને બદલે લોકો ભેગા થાય , લોકો વચ્ચેનું અંતર ઘટે, લોકો ઊંચનીચ ના ભેદ ત્યાગીને એક થાય એવા બનાવ્યા.
પણ પછી આવ્યા વેલેન્ટાઈન ડે ના મફત વકીલ એવા સ્વઘોષિત વિદ્વાનો જેમને મતે વેલેન્ટાઇન ડે તો એક નિર્દોષ , પ્રેમનું પ્રતિક એવો તહેવાર હતો.
વેલેન્ટાઇન ડે ભલે નિર્દોષ દેખાતો હોય તે છે નહિ. એની પાછળ તહેવારોને વેપલો બનાવવાની જે માનસિકતા આવે છે તે આપણા વડવાઓએ ખૂબ મહેનતથી ડીઝાઈન કરેલા સોશિયલ ફેબ્રિક ને તાર તાર કરી નાખશે.



