દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સમૂહ લગ્નોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ- ઢોલરા દ્વારા પ્રતિવર્ષ છેલ્લા છ વર્ષથી દર વર્ષે યોજાતા માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજવામાં આવે છે અને સમાજનો સુખી-સંપન્ન પરિવાર દર વર્ષે મુખ્ય યજમાન બનતા હોય છે. આ વર્ષે પણ આગામી તા. 29 ડીસેમ્બર રવિવારના રોજ સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-7 યોજાશે. આ વર્ષે પણ લગ્નોત્સવમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા કડવા પટેલ સમાજના મોભી એઈસ સોફ્ટવેર કંપનીના સફળ સંચાલક સંજયભાઈ અને માધવીબેન ધમસાણીયા પરિવાર મુખ્ય યજમાન તરીકે સહભાગી બનનાર છે અને સમગ્ર પરિવાર લક્ષ્મી સ્વરૂપ 23 દીકરીઓના આશીર્વાદના અધિકારી બનનાર છે.
- Advertisement -
રાજકોટ જિલ્લાના ધોરાજીના મૂળ વતની અને રાજકોટના પોતાની કર્મભૂમિ બનાવનારા રાજકોટ સૌરાષ્ટ્રના સોલવન્ટ પ્લાન્ટસ અને ઓઈલ મીલ ઉદ્યોગના જાણીતા જૂની પેઢીના સફળ ઉદ્યોગપતિ સ્વ. હરિભાઈ ધમસાણીયા પરિવારના સંજયભાઈએ પોતાની આવડત, કુનેહ, કઠોર પરિશ્રમ, દીર્ઘદૃષ્ટિથી પોતાની વિકાસયાત્રા દેશ-વિદેશમાં વિસ્તારેલ છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં સોફ્ટવેર એક્સપોર્ટ કરતાં ગુજરાતની સફળ પબ્લીક લિસ્ટેડ સોફ્ટવેર કંપની કે જેમાં 800 જેટલા લોકો કામ કરે છે તે એઈસ સોફ્ટવેર કંપનીના સંચાલક, નેચરોપેથી અને આયુર્વેદિક સારવાર થકી ટ્રીટમેન્ટ આપતી આત્મનીય નેચરક્યોર તેમજ રાજકોટના પ્રતિષ્ઠિત સરાજા રેસ્ટોરન્ટના કો-પ્રમોટર છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ યોજાતા આ લગ્નોત્સવમાં સમાજના અલગ-અલગ ક્ષેત્રના લોકો મુખ્ય યજમાનપદનો લાભ લઈ ચૂક્યા છે. જેમાં ભાવેશભાઈ તળાવીયા પરિવાર (પટેલ ટીમ્બર), શહેરના જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ પરિવાર, જાણીતા ઉદ્યોગપતિ શિવલાલભાઈ આદ્રોજા પરિવાર, જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ પરિવારનો સમાવેશ થાય છે.