શિક્ષકો ભણાવવાને બદલે વિદ્યાર્થીઓ પાસે પોતાના વાહનો સાફ કરાવતા હતા!
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી પાસેના વિટોજ ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આક્ષેપ કર્યા છે કે આ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે પોતાના વાહનો સાફ કરાવે છે. શિક્ષકો અભ્યાસ પૂરો કરાવતા નથી અને શાળાની શિક્ષણસ્તર નીચું ગયું છે.
આ શાળામાં શિક્ષકોની ઘટ હોવાની જાણ સત્તાધીશોને કરવામાં આવી હતી, જો કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આ શાળામાં વહીવટી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે અને સાથે જ શાળાના આચાર્યને બદલવાની માંગ કરી છે.
વિટોજ ગામની આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીવાના શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે. વિટોજના ગ્રામજનોએ પ્રાથમિક શાળાને કરેલી તાળાબંધીની જાણ થતાં તાલુકા શિક્ષક અધિકારી દોડી આવ્યાં હતા અને ગ્રામજનોની માંગણીઓ બાબતે ચર્ચા તેમની સાથે ચર્ચા કરી હતી.