વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે ખુલાસો થયો છે કે, બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું હતું જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો
ગુજરાત માટે તારીખ 18 જાન્યુઆરીનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કારણ કે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ. અને જોત-જોતામાં માસૂમોના મોતની ચીચીયારીઓ ગુંજી ઊઠી. કાંઠે અનેક લોકો હતા. પરંતુ કોઈ કાંઈ ન કરી શક્યું અને બેજવાબદાર તંત્રની લાપરવાહીના કારણે માસૂમોનો ભોગ લેવાઈ ગયા ત્યારે આ દુર્ઘટના મામલે કેટલાક ખુલાસા પણ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, મોરબી દુર્ઘટના જેવી જ બેદરકારી દાખવી.
- Advertisement -
કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડે કોન્ટ્રાક્ટ અપાયો હતો
અત્રે જણાવીએ કે, બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું હતું. જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો. કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારે આ જ ફૂડ કંપનીને બોટિંગની પણ જવાબદારી સોપી દેવાઈ હતી. જો કે, કંપારી છૂટાવી દેનારી આ ઘટનાને પગલે કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બિનિત કોટિયા રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા છે, રાજકીય વગના કારણે તેમની કંપનીને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.
જાણો સમગ્ર દુર્ઘટના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.