ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.30
2022માં ઞજ-કેનેડા સરહદ પર એક ભારતીય પરિવારના થીજી જવાથી મૃત્યુની દુ:ખદ ઘટના સામે આવી હતી. અમેરિકન કોર્ટે બુધવારે મુખ્ય આરોપી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે “ડર્ટી હેરી” 10 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ કેસ માનવતસ્કરી સાથે સંબંધિત છે, જેમાં ભારતના ગુજરાત રાજ્યના ડિંગુચા ગામના જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષનો પુત્ર ધાર્મિકનાં મૃત્યુ થયાં હતાં. પરિવાર -36 ડિગ્રી સેલ્સિયસની ભયંકર ઠંડીમાં ઞજ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને માત્ર 33 ફૂટ દૂર મૃત્યુ પામ્યો.
યુએસ કોર્ટ અનુસાર, આ ખતરનાક માનવતસ્કરીનો મુખ્ય સૂત્રધાર હર્ષકુમાર પટેલ હતો, જે ભારતનો નાગરિક છે અને ડિંગુચા ગામનો રહેવાસી છે. તે ‘ડર્ટી હેરી’ તરીકે જાણીતો હતો.
- Advertisement -
આ કેસમાં અન્ય એક આરોપી, ફ્લોરિડા (ઞજઅ)નો રહેવાસી સ્ટીવ એન્થોની શેન્ડને 6.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેના પર લોકોને સરહદ પાર લઈ જવાનો આરોપ હતો. ફરિયાદીઓએ તેના માટે 11 વર્ષની સજાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેની મર્યાદિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને ઓછી સજા ફટકારી હતી.
કાર્યકારી યુએસ એટર્ની લિસા ડી. કિર્કપેટ્રિકે જણાવ્યું હતું કે છોકરો ધાબળામાં લપેટાયેલો હતો અને તેના પિતાના થીજી ગયેલા ગ્લવ્સથી તેનો ચહેરો ઢંકાયેલો હતો, જ્યારે જ્યારે હું આ કેસ વિશે વિચારું છું ત્યારે મારી આંખો સામે તે પરિવાર અને તેમનાં બે સુંદર બાળકો તરવરે છે, જેઓ થીજીને મોતને ભેટ્યાં છે.
જજ જોન ટુન્હાઈમે કહ્યું, આ ગુનો અસાધારણ છે, કારણ કે તેના પરિણામે બે નાનાં બાળકો સહિત ચાર લોકોનાં અકલ્પનીય મૃત્યુ થયાં હતાં અને આ મૃત્યુને અટકાવી શકાયાં હોત.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, પટેલ અને શેન્ડ એક નેટવર્કનો ભાગ હતા, જે ભારતથી લોકોને વિદ્યાર્થી વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ગુપ્ત રીતે તેમને અમેરિકા મોકલતા હતા. ઘણા લોકોએ આ નેટવર્ક દ્વારા સરહદ પાર કરી હતી. હર્ષકુમાર પટેલે કોર્ટમાં નિર્દોષ હોવાની કબૂલાત કરી અને કહ્યું કે તે ફક્ત એક સામાન્ય માણસ છે અને માનવતસ્કરીના અન્ય લીડર્સ તો કોઈ બીજા જ છે. તેના વકીલે ફક્ત 18 મહિનાની સજા માગી હતી (જે-તે પહેલાંથી જ ભોગવી ચૂક્યો છે), પરંતુ કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી.
ફરિયાદી માઈકલ મેકબ્રાઈડે કોર્ટમાં જણાવ્યું હતું કે “પટેલને આજસુધી કોઈ પસ્તાવો થયો નથી અને તે હજુ પણ સ્વીકારવા તૈયાર નથી કે તે ‘ડર્ટી હેરી’ છે, જોકે પૂરતા પુરાવા અને તેના સાથીની જુબાની દ્વારા આ ગુનો સાબિત થયો છે.” મૃતક પરિવાર અને આરોપી બંને ગુજરાતના ડિંગુચા ગામના છે, પરંતુ બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી. આ ગામ અગાઉ પણ વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોના કિસ્સાઓ માટે હેડલાઈનમાં રહ્યું છે.