હિંદુ રાષ્ટ્રનું અપમાન કર્યાનો આરોપ : રાજકોટ સરદાર પટેલ સેવાદળ દ્વારા માગણી
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજજૈનના માકડોનમાં અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખંડિત કરી સળગાવ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સરદાર પટેલ સેવાદળ દ્વારા આ કામના તમામ આરોપીઓને કડક સજા કરવાની માગણી ઉઠાવી હતી. આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
આ તકે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશભાઈ ટાંક, રાજકોટ જીલ્લા અધ્યક્ષ નૈમિષભાઈ પરસાણા તથા વિશાલભાઈ રાબડીયા હાજર રહ્યા હતા. આ અંગે જણાવ્યું હતું કે, ગત તા. 25 જાન્યુઆરીના ઉજજૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક તેમજ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ઉખેડી તોડફોડ કરી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના એ સરદાર પટેલ સાહેબનું નહીં પરંતુ, હિન્દુ રાષ્ટ્રનું અપમાન કરવા સમાન છે.
આવા કૃત્યો કરનારા આરોપીઓ સામે લોકોમાં રોષની લાગણી ઉદભવી છે. આ ઘટનાને સરદાર પટેલ સેવાદળ, એસપીજી ગ્રુપ શખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે ત્યારે આ કામના આરોપીઓને ઝડપી પાડી તેમની સામે આ ઘટનામાં ફાસ્ટટ્રેકમાં કેસ ચલાવી આરોપીઓને કડક સજા કરવામાં આવે એવી માગણી પણ સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉઠાવવામાં આવી હતી તેમજ આ મામલે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.