44 ટીમો દ્વારા 90%થી વધુ ગામોમાં ફિઝિકલ સર્વે પૂર્ણ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર કટિબદ્ધ : વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા તાકીદની બેઠક
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી દ્વારા પ્રાથમિક આકલન બાદ તાત્કાલિક 20 ટીમોનું ગઠન કરીને સરકારના નિયમો અનુસાર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાદમાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમોની સંખ્યા વધારીને કુલ 44 ટીમો રચવામાં આવી હતી, જેથી સર્વે કામગીરીને વધુ વેગ મળી શકે. આ સાથે ખેડૂતોના હિતાર્થે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને દરેક ગામમાં પ્રાઇવેટ સર્વેયરોની નિમણૂક સાથે તેમના નામ અને સંપર્ક વિગત સ્થાનિક અખબારોમાં જાહેર કરવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જિલ્લાના અંદાજિત 90% ગામોમાં ફિઝિકલ સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે.
- Advertisement -
જિલ્લામાં કુલ 1,16,498 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું, જેમાંથી પ્રાથમિક આંકલન મુજબ 91,790 હેક્ટર વિસ્તાર કમોસમી વરસાદથી પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 82,885 હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સ્થાનિક સરપંચો, તલાટીઓ, ગ્રામ સેવકો અને અગ્રણીઓની હાજરીમાં પંચરોજકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં જઈ ખેડૂતોની મુલાકાત લઈને તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. બંને આગેવાનોએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર આ વિપદ પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે છે અને તેમની મદદ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. અર્જુનભાઈ મોઢવાડીયાએ જિલ્લામાં તાકીદની બેઠક લઈને વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ અને આદેશો આપ્યા હતા, જેથી વળતર પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ શકે. પોરબંદર જિલ્લાના ખેડૂતો અને સ્થાનિક જનતા રાજ્ય સરકાર તથા વહીવટી તંત્રની ઝડપી અને સચોટ કામગીરી બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે. ધરતીપુત્રો આ કપરા સમયમાં પણ આશાવાદી છે કે સરકારના સહકારથી તેઓ ફરીથી ખેતીમાં ઉભરાશે.



