ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ભવ્ય ’સરદાર150 યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ એકતા પદયાત્રાને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વિસાવદર પ્રાંત કચેરીથી શરૂ થયેલી આ રેલી માર્કેટિંગ યાર્ડ અને સરદાર ચોક જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કાલસારી પ્રાથમિક શાળા ખાતે સંપન્ન થઈ હતી. નગરજનો અને વિદ્યાર્થીઓએ સરદાર સાહેબના જયઘોષ સાથે યાત્રાને વધાવી હતી.
આ પ્રસંગે સાંસદ ચુડાસમાએ સરદાર સાહેબના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પીએ જુનાગઢ અને હૈદરાબાદ જેવા રજવાડાઓના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવનારી પેઢી તેમના મજબૂત અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તેમના વિચારો પર ચાલે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, પ્રાંત અધિકારી સી.પી. હિરવાણીયા સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા.



