સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત વિધાનસભા યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ જૂનાગઢથી થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની પસંદગીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે 9 નવેમ્બર જૂનાગઢનો મુક્તિ દિવસ પણ છે, જે સરદાર સાહેબની આરઝી હકુમતની લડત અને લોકમત પછીની ઐતિહાસિક સફળતા છે. સરદારે આ જ દિવસે બહાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું, અને તેમની 12 નવેમ્બર, 1947ની મુલાકાત જૂનાગઢને માતૃભૂમિમાં જોડવાનો ઐતિહાસિક દિવસ ગણાય છે.
- Advertisement -
આ ગૌરવશાળી જોડાણને ઉજાગર કરવા માટે તા. 9 નવેમ્બરના રોજ સવારે 8.6 કિલોમીટરની ભવ્ય પદયાત્રા યોજાશે, જે બહાઉદીન કોલેજથી શરૂ થઈ મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ થઈને સરદાર ચોક સુધી જશે. આ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો, નાગરિકો, યુવાનો, સંસ્થાઓ, વહીવટી તંત્ર સહભાગી થશે. આ ઉજવણી માત્ર સરકારી નહીં, પણ લોકોનો કાર્યક્રમ બની રહે તે માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા લોખંડી પુરુષ સરદાર પટેલના યોગદાનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરી એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવા માટે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાશે. તા. 8મી નવેમ્બરના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ-ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ કરી રહ્યું છે.



