‘ચેરિટી બિગીન્સ એટ હોમ’ થીમ હેઠળ વિદ્યાર્થીઓએ સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સવ્યસાચી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટી.એન. રાવ કોલેજમાં આ વર્ષે જન્માષ્ટમી પર્વની ઉજવણી ’ચેરિટી બિગીન્સ એટ હોમ’ થીમ હેઠળ ભવ્ય અને ઉદ્દાત રીતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર તહેવારનો આનંદ જ નહીં, પરંતુ માનવતાનો સંદેશ પણ ફેલાવ્યો હતો.
- Advertisement -
આ ઉત્સવની ખાસિયત ’ચેરિટી કેન્ટીન’ રહી, જેનું સંચાલન કોલેજની રોટરેક્ટ ક્લબના વિદ્યાર્થીઓએ બે દિવસ સુધી કર્યું હતું. આ કેન્ટીનમાંથી થયેલા તમામ નફા અને વધારાના ફંડનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓએ રાજકોટની સરકારી ઝનાના હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ માટે બેડશીટનું દાન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, સહાનુભૂતિ અને સેવાભાવના વિકસે તેવો હતો. તેના દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે તહેવારો માત્ર ઉજવણી પૂરતા જ સીમિત ન રહેતા સામાજિક પરિવર્તનનું માધ્યમ બની શકે છે. જનાના હોસ્પિટલના દર્દીઓ માટે આપેલી આ સહાય માત્ર ચાદર નહીં, પરંતુ પ્રેમ, માનવતા અને ઉમંગની ગરમાશનું પ્રતીક બની રહી હતી.
કોલેજના મોભી ટ્રસ્ટીશ્રી ડો. તીર્થરાજ બારોટ, શુભમ રાઠી, પ્રો. શ્રુતિ જીવાણી, ડો. મિત્તલ વોરા, પ્રો. જસ્મિન જોષી અને ડો. મિત્તલ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ રોટરેક્ટ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.