રિન્યુએબલ એનર્જીમાં ભારતની હરણફાળ
2014થી 2026 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 3.59 ગણો વધારો, ચીન અને અમેરિકા બાદ ભારત હવે વૈશ્ર્વિક સ્તરે અગ્રણી
- Advertisement -
સૌજન્ય ઑપ્પ ઈન્ડિયા-ગુજરાતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની રિન્યુએબલ એનર્જી યાત્રા આજે વિશ્ર્વ માટે એક મોડલ બની ગઈ છે. માર્ચ 2026ના અધિકૃત આંકડા અનુસાર, દેશની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા વર્ષ 2014માં માત્ર 76.38 GW હતી, જે આજે વધીને 274.68 GW પર પહોંચી ગઈ છે. આ 3.59 ગણો નોંધપાત્ર વધારો છે. IRENAના 2026ના રિપોર્ટ મુજબ, ભારત હવે બ્રાઝિલને પાછળ છોડી ચીન અને અમેરિકા પછી સમગ્ર વિશ્ર્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
કૉંગ્રેસનાં સમયમાં કથળેલી હતી રિન્યુએબલ એનર્જીની સ્થિતિ
- Advertisement -
વર્ષ 2014 પહેલાં જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએ સરકાર ચાલતી હતી, ત્યારે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સ્થિતિ ખૂબ જ નબળી હતી. માર્ચ 2014માં રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતા માત્ર 76.38 GW હતી અને તેમાં પણ સોલાર પાવરની ક્ષમતા માત્ર 2.82 GW જેટલી હતી. દેશનું મોટાભાગનું વીજળી ઉત્પાદન પરંપરાગત કોલસા અને આયાતી તેલ પર આધારિત હતું. આ સમયે દેશમાં ઊર્જાની અછત વારંવાર જોવા મળતી હતી અને પાવર પ્લાન્ટ્સ કોલસાની અછતને કારણે વારંવાર બંધ થતા હતા. સરકારી આંકડા અનુસાર વર્ષ 2013-14માં ભારતે કુલ 168.4 મિલિયન ટન કોલસાની આયાત કરી હતી. જેમાં પાવર પ્લાન્ટ્સ માટેના થર્મલ કોલસાના બ્લેન્ડિંગનો મોટો હિસ્સો હતો. ઘરેલુ કોલસાનું ઉત્પાદન ઓછું હોવાથી પ્લાન્ટ્સને વિદેશી કોલસા પર ખૂબ આધાર રાખવો પડતો હતો. તેનાથી વિદેશી મુદ્રાનો મોટો ખર્ચ થતો હતો અને ઊર્જા સુરક્ષા પર સતત જોખમ મંડરાતું હતું. આ સમયે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે કોઈ મજબૂત નીતિ અથવા યોજનાઓ નહોતી. સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સનો વિકાસ ખૂબ જ ધીમો હતો અને દેશ આયાતી ઊર્જા પર જીવતો હતો.
મોદી સરકારની ક્રાંતિકારી યોજનાઓ અને સિદ્ધિઓ
2014 પછી મોદી સરકારે આ ક્ષેત્રને ‘આત્મનિર્ભર ભારત’ સાથે જોડીને અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી:
PM-KUSUM યોજના: ખેડૂતોને સોલાર પંપ આપી ગ્રામીણ સ્તરે ક્રાંતિ લાવી.
પીએમ સૂર્ય ઘર યોજના: લાખો પરિવારોને રૂફટોપ સોલારથી જોડી વીજ બિલમાં રાહત અને આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો.
PLI સ્કીમ: સોલાર પેનલ્સના સ્થાનિક ઉત્પાદનને વેગ મળ્યો, જેથી ભારત હવે નિકાસકાર બન્યું છે.
ગ્રીન એનર્જી કોરિડોર: રિન્યુએબલ એનર્જીને મુખ્ય ગ્રીડ સાથે જોડી ગ્રીડની મજબૂતી વધારી.
આ પ્રયાસોને પરિણામે જુલાઈ 2025માં દેશની કુલ વીજ માંગના 51.5 ટકા હિસ્સો રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. આ સાથે ભારતે 2030નું લક્ષ્ય પાંચ વર્ષ વહેલું હાંસલ કરી લીધું છે.
થર્મલ કોલસાની આયાતમાં મોટો ઘટાડો
રિન્યુએબલ એનર્જીના વિકાસ અને ઘરેલુ કોલસાના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે પાવર પ્લાન્ટ્સ માટેના થર્મલ કોલસાની આયાતમાં ધરખમ ઘટાડો થયો છે. વર્ષ 2022-23માં જે આયાત 35.10 મિલિયન ટન હતી, તે 2024-25માં ઘટીને 14.02 મિલિયન ટન થઈ ગઈ છે. 2025-26ના નવ મહિનામાં આ આયાતમાં 54 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ વ્યૂહાત્મક પરિવર્તન ભારતને 2070 સુધીના ’નેટ-ઝીરો’ લક્ષ્ય તરફ મજબૂતીથી લઈ જઈ રહ્યું છે, જે ભારતની આર્થિક આત્મનિર્ભરતા અને વૈશ્ર્વિક ઊર્જા સુરક્ષાનું પ્રતીક છે.



