માથાભારે શખ્સોથી કંટાળેલી મહિલાની પોલીસ કમિશનરમાં અરજી
‘ખાસ-ખબર’ કાર્યાલયે વિધવા સ્ત્રીએ પોતાની આપવીતિ જણાવી હતી
રાજકોટ પોલીસ કમિશનરમાં દિવ્યાબેન રજનીભાઈ ઉમરાણિયાએ જયેશ મનસુખભાઈ ઉમરાણિયા, પ્રફુલ નરોત્તમભા ઉમરાણિયા, મનીષ ઉર્ફે સુરેશ ભુપતભાઈ ઉમરાણિયા, ધર્મેશ નરોત્તમભાઈ ઉમરાણિયા, જગદીશ ભુપતભાઈ ઉમરાણિયા, પપ્પુ ઉર્ફે રાયમલ રાઠોડ, અશ્ર્વિન રાણાભાઈ લાવડિયા, વિકી ઉર્ફે સમીર વિરૂદ્ધ બળજબરીથી માર મારીને મિલકત પચાવી પાડવા તેમજ બોગસ દસ્તાવેજ કરી વ્યાજની ઉઘરાણીમાં લાખોની રકમ પડાવવા અંગે અરજી કરી છે.
દિવ્યાબેન રજનીભાઈ ઉમરાણિયાએ 9 શખ્સો વિરૂદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદ આ મુજબ છે. મારા પતિ રજનીભાઈ મનસુખભાઈ ઉમરાણીયાની માલિકીની અને કબ્જા ભોગવટાની મિલ્કત તેઓએ રાજકોટ તાલુકાના આણંદપર (નવાગામ)ના રે.સ.નં. 108 પૈકીની બિનખેડવાણ ઔદ્યોગિક પ્લોટો કે જે ‘બાલાજી ઈન્ડસ્ટ્રીયલ’ તરીકે ઓળખાય છે તેના પ્લોટ નં. 21ની જમીન ચો.મી.આ. 443-50વાળો શેડ મારા પતિએ સને 2016માં વેચાણ દસ્તાવેજ અનુ.નં. 4103, તા. 13-10-16ના રોજ ધર્મેન્દ્ર નરોત્તમભાઈ ઉમરાણીયા પાસેથી ખરીદ કર્યો હતો તથા તેઓએ રાજકોટમાં નવાગામ પાસે આવેલ રિદ્ધિ-સિદ્ધિ કો.આ.હા.સો.ના રે.સ.નં. 30 પૈકીના પ્લોટ નં. 8ની જમીન ચો.વા.આ. 214-00 પૈકીની ચો.વા.આ. 101-00 મારા પતિએ વેચાણ કરારથી રમેશ ભીમજીભાઈ સાવલીયા પાસેથી તા. 17-10-07ના રોજ ખરીદ કરી હતી તે રીતે સદરહુ મિલકત મારા પતિની કબ્જા ભોગવટાની અને માલિકીની આવેલી હતી તેમાં મારા પતિએ નવાગામવાળા શેડ ઉપર લોન પણ એયુ. ફાયનાન્સ લી.માં રૂા. 62,00,000ની લીધી હતી ત્યારબાદ કોરોના સમયમાં તા. 14-4-2021ના રોજ મારા પતિને કોરાના થતાં તેઓનું અવસાન થયું હતું. અમારા લગ્ન તા. 14-2-2008ના રોજ થયેલ છે અને અમારે લગ્ન જીવનથી કોઈ સંતાન નથી અને ઉપરોક્ત સરનામે હું એકલી રહું છું અને ઉપરોક્ત શેડના ભાડામાંથી હું મારું ગુજરાન ચલાવું છું.
- Advertisement -
ઉપરોક્ત મિલ્કત મારા પતિની માલિકીની હોવાથી તેઓના અવસાન બાદ હું એકમાત્ર સદરહુ મિલ્કતની વારસદારની રૂએ માલીક થયેલ છું પરંતુ મારા જેઠ અને દીયર જે આરોપી નં. 1થી 5 તથા છે તેઓને મારી મીલ્કત પડાવી માટે કારસો રચેલ હતો અને તેઓએ આ કાવતરામાં આરોપી નં. 6થી 9ને બોલાવી આ મિલ્કત પડાવી લેવા માટે હવાલો આપ્યો છે.
આ આરોપીઓ અવારનવાર મારી મિલ્કત પડાવી લેવા માટે મને ધમકીઓ આપે છે અને મને જીવતી સળગાવી દેવાની અથવા એસીડ એટેક કરવાની ધમકીઓ આપે છે. ગત તા. 3-6-21ના રોજ અમારી આણંદપર નવાગામવાળા બાલાજી ઈન્ડસ્ટ્રીયલ શેડ કે જે અમોએ કલ્પેશભાઈ કિશોરભાઈ સિદ્ધપુરાને ભાડે આપેલ હતો તેમાં તાળા તોડી કબ્જો જમાવી લીધેલ અને તેની મેં કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને પોલીસ ઈન્સ્પેકટર જનકાંતએ મારો કબ્જો પરત અપાવ્યો હતો અને જે તે સમયે આ આરોપીઓએ મને અસહ્ય માર માર્યો હતો અને મારે સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
આજરોજ સવારના હું મારા ઉપરોક્ત શેડે ગઈ ત્યારે આ આરોપીઓએ ફરીથી તાળા તોડી દીધા હતા અને તેઓના તાળા મારી દીધા હતા અને આ તમામ આરોપીઓ ત્યાં હાજર હતા અને મને અસહ્ય ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધક્કામુક્કી કરેલ હતી અને એક સ્ત્રીને જાહેરમાં અશોભનીય રીતે અપમાનીત કરી હતી જેમાં આ આરોપી પપ્પુ રાયમલ રાઠોડ (આહીર), અશ્ર્વિન રાણા લાવડીયા અને રાણાભાઈ લાવડીયા અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકેલાં છે અને ખૂબ જ માથાભારે છે જેથી હું ખૂબ જ ડરી ગઈ હતી.
- Advertisement -
આ આરોપીઓએ અમારી રિદ્ધિ-સિદ્ધિ કો.ઓ.હા.સો.વાળા શેડનો પણ બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ છે અને તે દસ્તાવેજો મારા પતિએ રાણાભાઈ આહીર પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા તે રકમ માત્ર રૂા. 4,00,000 10% લીધેલ હતા અને તેની ડબલ રકમ માતા પતિએ ચૂકવી આપેલ હોવા છતાં આ રાણાભાઈ આહીર એક બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી મારી મિલ્કતનો કબ્જો પડાવી લીધેલ છે અને જ્યારે પણ હું તેઓની પાસે મારી મિલ્કત પરત આપવા માટે જાવ ત્યારે મને આ ત્રણેય આહીર શખ્સો મારી નાખવાની ધમકી આપે છે અને કહે છે કે તારી લાશ પણ સળગાવી નાંખીશું અને જે તે વખતે પોલીસમાં રજૂઆત કરેલ છે પરંતુ આ પોલીસ અધિકારીઓએ કોઈ સમજણના ભાગરૂપે મારી કોઈ રજૂઆત સાંભળેલ નથી કે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી નથી. તેથી આ ફરિયાદ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓને સોંપી યોગ્ય કાર્યવાહી કરવા દિવ્યાબેન રજનીભાઈ ઉમરાણિયાએ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે.