મા ઉમિયાના પ્રાગટ્ય દિન નિમિત્તે 126 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તિસભર માહોલમાં પદયાત્રાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્યના 126 વર્ષની પૂર્ણાહુતિના પાવન પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, ગુરુવાર, વહેલી સવારે 4:00 કલાકે સંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલાએ સંસ્થાની ઓફિસેથી આ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 900 જેટલા પદયાત્રિકો ઉમંગભેર જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ પૂનમના રોજ યોજાનારા મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આ પદયાત્રાનું આયોજન કરાયું છે. શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની આ પદયાત્રા અંકુર કોમર્શિયલ સેન્ટર, ગોંડલ રોડ, રાજકોટથી શરૂ થઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારી પદયાત્રીકોના સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું.
પદયાત્રાનો રૂટ આ પ્રમાણે છે: ગુરુવાર, 04-09-2025: રાજકોટથી પ્રસ્થાન કરી પદયાત્રીઓ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ થઈને વેરાવળ (શાપર) પહોંચશે. ત્યાં ચા-નાસ્તા બાદ રીબડા થઈને દાળેશ્વર મહાદેવ મંદિરે બપોરનું ભોજન અને વિરામ લેશે. બપોરે 2:30 કલાકે ફરી પ્રસ્થાન કરી વાળધરી, કોલીથડ થઈને ગરનાળા મુકામે રાત્રિ ભોજન અને રાત્રિ રોકાણ કરશે.
શુક્રવાર, 05-09-2025: ગરનાળાથી પ્રસ્થાન કરી ત્રાકુડા ખોડીયાર મંદિર ખાતે ચા-નાસ્તો કરશે. ત્યારબાદ ઉમરાળી, ધોળીધાર થઈને જામ કંડોરણા ખાતે તિરુપતિ જીનીંગ મીલમાં બપોરનું ભોજન લેશે. બપોરે 2:30 કલાકે ફરી પ્રસ્થાન કરી જશાપર, નાગબાઈની ધાર, ખજુરડા થઈને જામટીંબડી મુકામે રાત્રિ ભોજન અને રોકાણ કરશે.
શનિવાર, 06-09-2025: સવારે 5 કલાકે જામટીંબડીથી પ્રસ્થાન કરી સાજડીયાળી અને અરણી થઈને ભાયાવદર મુકામે બપોરનું ભોજન અને આરામ કરશે. બપોરે 12 કલાકે ફરી પ્રસ્થાન કરીને ખારચીયા, મોટી પાનેલી થઈને આખરે સિદસર ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિરે પહોંચશે, જ્યાં સાંજની આરતીમાં ભાગ લઈ રાત્રિ ભોજન અને રોકાણ કરશે.
આ પદયાત્રામાં પદયાત્રીકો માટે ડ્રેસકોડ સાથે વિવિધ સમિતિઓ દ્વારા ભોજન, આરામ અને સેવા-સુશ્રુષાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પદયાત્રા દરમિયાન ભજન-કીર્તન અને માતાજીના જયઘોષ સાથે એક અનોખું ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. મા ઉમિયા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો આ પદયાત્રામાં જોડાવા માટે દૂર-દૂરથી આવે છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા અને ઉપપ્રમુખ અશ્વિનભાઈ બરોચીયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.