એક માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો પણ હુકમ
રાજકોટમાં આલાબાઈના ભઠ્ઠા પાસે શક્તિનગરના ખૂણે નિવાસસ્થાન ધરાવતી અને યુ.કે. ખાતે રહેતી નીશાબેન કેતનભાઈ ડુસારાએ રાજકોટના મિત્ર મયુર મુકેશભાઈ ડાંગર પાસેથી સંબંધના દાવે લીધેલી રકમ પરત કરવા ઈસ્યુ કરી આપેલો ચેક રિટર્ન થતાં કેસ ચાલી જતાં હાલ મુંબઈ મુકામે જેલમાં રહેલા આરોપી નીશાબેન ડુસારાને એક વર્ષ ત્રણ માસની સજા ઉપરાંત રૂા. 9,00,000 ફરિયાદીને એક માસમાં વળતર ચૂકવવામાં નિષ્ફળ રહે તો વધુ છ માસની સજા ફરમાવતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ. જ્યુડિ. મેજિ.એ ફરમાવેલો છે.
રાજકોટમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા મયુર મુકેશભાઈ ડાંગરે આલાબાઈના ભઠ્ઠા પાસે અરૂણોદય મકાન સામે શક્તિનગરના ખૂણે ચામુંડા નિવાસ મકાનમાં રહેતા નીશાબેન કેતનભાઈ ડુસારા સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલ કે ફરિયાદી તથા આરોપી મિત્ર સર્કલ ગ્રુપ હોય અને આરોપી વિદેશમાં યુ.કે. (યુનાઈટેડ કિંગ્ડમ) રહેવા જતા રહેલા ત્યાંથી ક્યારેક આવતા હોય આરોપીએ યુ.કે.થી બેંકમાં ત્રીસ હજાર પાઉન્ડ જમા કરાવેલ હોય તે કારણોસર ઉપડતા નથી અને તે ટેકનીકલ ખામી દૂર કરતાં પાંચથી સાત દિવસ લાગે તેમ હોય અને તહોમતદારને અરજન્ટ રૂા. 23,00,000ની કોઈ પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય ટેકનીકલ ખામી ક્લિયર થયે ખાતામાં રકમ જમા થયે રકમ પરત કરી આપશે તેમ કહી ફરિયાદી તથા ગ્રુપ સર્કલમાંથી રકમની વ્યવસ્થા કરી આપવા જણાવેલું અને તહોમતદાર હિથ્રો એરપોર્ટમાં નોકરી કરતા હોય મોટા બિઝનેશમેન સાથે સંકળાયેલ હોય નાણા ડુબશે નહીં તેવો વિશ્ર્વાસ આપતાં ફરિયાદીએ રૂા. 9,00,000 તથા અન્ય બે મિત્રો પાસેથી રૂા. 14,00,000ની અઠવાડિયા પૂરતી જરૂરત હોવાથી વ્યવસ્થા કરી આપેલ તે રકમ પરત અદા કરવા ફરિયાદીએ આપેલા રૂા. 9,00,000નો ફરિયાદીની તરફેણમાં ચેક ઈસ્યુ કરી આપી ચેક પાસ થઈ જવા બાંહેધરી આપવા છતાં ચેક પાસ ન થવા દેતાં તે સંબંધે આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ થયેલા દસ્તાવેજો તથા મૌખિક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના કાયદેસરના નાણા પેટે ચેક ઈસ્યુ કરી આપેલો છે, ચેકની કે તે માંહેના સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરુદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલી છે, આરોપીની આવા પ્રકારના ગુના કરવાની ટેવ પણ હોવા સંબંધે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલી હતી.
- Advertisement -
રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણું પરત કરવા ચેક ઈસ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે, ફરિયાદ પક્ષે રજૂ કરેલ દસ્તાવેજો સંબંધે કોઈ તકરાર લેવામાં આવેલી નથી ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલા છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલ હોવાનું પુરવાર થતું નથી, ફરિયાદીને એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલ છે તેમજ ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદ પક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલા નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને સવા વર્ષની સજા ઉપરાંત રકમ રૂા. 9,00,000 એક માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર થયે વધુ છ માસની સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી મયુર ડાંગર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલિયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન કોરાટ રોકાયેલા હતા.