રાજકોટની ચારેય બેઠક માટેનાં ભાજપનાં ઉમેદવારો ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટની ચાર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવારો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટિલાળા, ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાએ આજ રોજ ખાસ-ખબરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સાથે ખાસ-ખબરના કાર્યાલયે પધારેલા રાજકોટ-68ના ઉમેદવાર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડ, રાજકોટ-69ના ઉમેદવાર વર્તમાન ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ-70ના ઉમેદવાર ખોડલધામના અગ્રણી રમેશભાઈ ટીલાળા અને રાજકોટ-71ના ઉમેદવાર વર્તમાન ર્કોપોરેટર ભાનુબેન બાબરીયાએ તંત્રી કિન્નરભાઈ આચાર્ય અને એમ.ડી. પરેશભાઈ ડોડીયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ તેઓએ પોતપોતાના મતવિસ્તારમાં શું હતું, શું છે અને ચૂંટણી જીતી ધારાસભ્ય બનશે શું કરશે તે અંગે જણાવ્યું હતું.
- Advertisement -
વિધાનસભા-68: સરકાર અને સંગઠનના અનુભવોનો ઉપયોગ ઉપલાકાંઠાના વિકાસકામો કરીશું: ઉદય કાનગડ
ત્રણ દસકાનાં જાહેરજીવનમાં મેં આ મતવિસ્તારમાં કોર્પોરેશન અને ઈલેક્શનના અનેક કામ કર્યા છે
- Advertisement -
ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ સ્થાનેથી પ્રશંસનીય કામગીરી કરનાર લોકપ્રિય નેતા ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વિધાનસભા-68 એ ઉપલો કાંઠો કહેવાય. લોકો તેને યુ.કે. કહે છે અને હવે મને પણ યુ.કે. કહેવા લાગ્યા છે. ત્રણ દસકાનાં જાહેરજીવનમાં મેં અહીં કોર્પોરેશન અને ઈલેક્શનના અનેક કામ કર્યા છે. પહેલા આ વિસ્તાર રાજકોટ વિધાનસભા-1માં આવતો ત્યારે ઉમેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઈ રૂપાપરા, ટપુભાઈ લીંબાસિયા, ગોવિંદભાઈ પટેલ વગેરે ચૂંટણી લડ્યા ત્યારે સૌ સાથે મળી પક્ષ અને પ્રજા માટે કાર્ય કર્યું છે. હું અહીં ઈલેક્શન ઈન્ચાર્જ પણ રહી ચૂક્યો છું. હવે એક કાર્યકર્તા તરીકે સરકાર અને સંગઠનના અનુભવોનો ઉપયોગ આ વિસ્તારના વિકાસકાર્યો માટે કરવો છે. આ બેઠકના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પણ અનેક વિકાસકામો કર્યા છે, હવે અમે સૌ સાથે મળીને આ વિસ્તારને વધુને વધુ સુવિધા અને સુખાકારી મળે તેવા પ્રયત્નો કરીશું.
વિધાનસભા-69: રાજકોટનાં સર્વાંગી વિકાસ માટે હું 24 કલાક કાર્યરત છું અને લોકપ્રશ્ર્નોનો ઉકેલ લાવીશ: ડૉ. દર્શિતા શાહ
વિધાનસભા-69 બેઠક એ નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ, વજુભાઈ વાળાનું સંચાલન અને વિજયભાઈ રૂપાણીની સંગઠન શક્તિવાળી ઊર્જાવાન બેઠક છે
ભાજપ વર્તમાન કોર્પોરેટર તેમજ ડે. મેયર ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું કે, વિધાનસભા-69 બેઠક એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ, વજુભાઈ વાળાનું સંચાલન અને વિજયભાઈ રૂપાણીની સંગઠન શક્તિવાળી ઊર્જાવાન બેઠક છે. આ બેઠક પરથી મારું નામ જાહેર કરાતા હું ભાજપની આભારી છું. હાલમાં ડે.મેયર તરીકે રાજકોટના લગતા તમામ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની 24 કલાક કાર્યરત રહીને કોશિશ કરી છે. અવારનવાર વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાંગોની સમસ્યાઓની સફળ રજૂઆત કરી છે. રાજકોટના વિકાસને લગતા તમામ કાર્ય પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક કર્યા છે. હજુ વધુ પુરુષાર્થ દ્વારા ભવ્યાતિભવ્ય વિજય મેળવીને રાજકોટના વિકાસકાર્ય માટે કટિબદ્ધ છું.
વિધાનસભા-70: ખેડૂતોથી લઈ તમામ વર્ગોનાં પ્રશ્ર્નોને વાચા આપવાનો પ્રયાસ રહેશે: રમેશ ટિલાળા
ખેડૂત પુત્ર તરીકે આ મત વિસ્તારના ખેડૂતોથી લઈ તમામ વર્ગના પ્રશ્ર્નોને વાચા આપવાનો પ્રયાસ રહેશે
ખોડલધામના અગ્રણી તેમજ પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ ટિલાળાએ જણાવ્યું હતું કે, વિધાનસભા-70 બેઠક પર વર્ષોથી ચૂંટાતા આવતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે અહીં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. તેમણે અહીં પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપી છે, સૌની સમસ્યાનું નિરાકરણ લાવવા જહેમત ઉઠાવી છે. મારો પણ ઉદ્દેશ એ જ છે, આ બેઠકમાં આવતી સૂચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝ કરવા માટે કામગીરી કરવી છે, લોકોની નાનામાં નાની વાતને પણ પ્રાધાન્ય આપવું છે. વધુમાં વધુ વિકાસકાર્યો કરવા છે. હું આ વિસ્તારથી બખૂબી પરિચિત છું. મારા ઘર-વ્યવસાય આ વિસ્તારમાં હતા. ખેડૂત પુત્ર તરીકે આ વિસ્તારના ખેડૂતોથી લઈ તમામ વર્ગના પ્રશ્ર્નોને વાચા આપવાનો પ્રયાસ રહેશે.
વિધાનસભા-71: રાજકોટની વણથંભી વિકાસયાત્રાને સૌ સાથે મળીને આગળ ધપાવીશું: ભાનુબેન બાબરિયા
રાજકોટની બે બેઠકો પર બે મહિલાઓને ચૂંટણી લડવાનો અવસર આપવામાં આવ્યો એ આનંદની વાત છે
ભાજપના વર્તમાન કોર્પોરેટર અને વિધાનસભા-71નાં ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, વિધાનસભા-71 મતવિસ્તારમાં દસ વર્ષ સુધી પક્ષ અને પ્રજાનું કાર્ય કર્યું છે. શહેર અને ગ્રામ વિસ્તાર સાથે જોડાયેલી આ બેઠકમાં શાળા, કોલેજ, આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાવ્યા છે. નોનપ્લાન્ડ રસ્તાઓ બનાવવાથી લઈ ગામેગામ સૌની યોજનાનો લાભ અપાવવા ગામડાંઓનો સમાવેશ કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર આ ગુજરાત મેં બનાવ્યું છેમાં જે મેંની ભાવના છે તે મેંની ભાવનાને પરિપૂર્ણ કરવાનો મારો ધ્યેય છે. ભાજપ દ્વારા રાજકોટની બે બેઠકો પર બે મહિલાઓને ચૂંટણી લડવાનો અવસર આપવામાં આવ્યો છે એ આનંદની વાત છે. અમે બંને મહિલા ઉમેદવારોને રાજકોટની વિકાસયાત્રાને આગળ ધપાવીશું.
ચારેય ઉમેદવારોએ વિજયનો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો અને જીત પછીનાં રોડમેપ વિશે પણ વાત કરી
ભાજપ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે જીતાડવા જનતામાં અનેરો ઉત્સાહ: રાજુભાઈ ધ્રુવ
ગુજરાતની જનતાનો ભાજપ પર ભરોસો જોતા આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત નક્કી છે
ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, લોકશાહીના મહાપર્વ વિધાનસભા ચૂંટણીઓ લઈ રાજકીય પક્ષના કાર્યકરોથી લઈ આગેવાનોમાં જીત મેળવવાનો તો ઉત્સાહ હોય જ છે, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે જીતાડવાનો જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનતા પોતાના પ્રિય જનપ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે ઉત્સુક છે. ભાજપના મોવડીમંડળ દ્વારા જાહેર કરેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પોતાના પ્રચાર-પ્રસારમાં લાગી ચૂક્યા છે. લોકોમાં પોતાના મતવિસ્તારના સ્થાનિક ઉમેદવારને લઈ કોઈ જ અસંતોષ નથી, કોઈ આંતરિક મતભેદ નથી. ફરી એકવાર ભાજપ સરકારના બુલંદ નારા સાથે ચોમેર આનંદ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે ચૂંટણીપંચ અને તંત્ર પણ સજ્જ છે. ગુજરાતની જનતાનો ભાજપ પર ભરોસો જોતા આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત નક્કી છે.