મરિન નેશનલ પાર્કના ફોરેસ્ટ સ્ટાફની કાર્યવાહી
બે નંગ ફાસલા, બાઈક સહિત 51 હજારનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વાડીનાર, તા.17
વન્યજીવ શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ ઓફીસર અને સ્ટાફ દ્વારા અનામત જંગલ વિસ્તારમાં કરવામાં આવતાં પેટ્રોલીંગ દરમિયાન વન્યજીવ શિકાર કરતાં બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાડીનાર વિસ્તારના જાખરકોઠા અનામત જંગલ વિસ્તારમાં 14 ડીસેમ્બરે ફોરેસ્ટ સ્ટાફના વનપાલ હુસેનભાઈ, વનરક્ષક યુવરાજસિંહ અને કારીબેન સુવા સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ગાગવા સોલ્ટ નજીક જાખરકોઠા અનામત જંગલ વિસ્તાર ખાતે લોખંડનો ફાસલો ગોઠવી ભારતીય નોળિયાનો શિકાર કરતાં દિનેશ સવજી પરમાર (રહે. મુંગણી) અને પરેશ ધીરુભાઈ વાઘેલા (રહે. ધ્રોલ)ને રંગેહાથ ઝડપી લઈ વન્યજીવ સપરાધનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આરોપીઓ પાસેથી બે નંગ ફાસલા, બાઈક સહિત 51 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
તા. 15 ડીસેમ્બરના રોજ જામનગર કોર્ટમાં બંને આરોપીને રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ બાદ કોર્ટે બંનેને જિલ્લા જેલ મોકલવા આદેશ આપ્યો હતો.



