ચોકીદારી કરતાં બંને નેપાળી પરિવારો શોકમાં ગરકાવ
રૈયાના શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીમાં મોડી રાત્રે સર્જાયેલી કરુણાંતિકા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના રૈયા ગામ નજીક આવેલી શિલ્પન ઓનેક્સ નામની રેસિડેન્સીમાં ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની 3 વર્ષ 2 માસ અને 3 વર્ષ 9 માસની બે દિકરીઓ રાત્રે સાઇકલ ફેરવતી ફેરવતી સ્વીમિંગ પૂલ પાસે પહોંચ્યા બાદ કોઇપણ રીતે અંદર પડી જતાં ડૂબી જતાં બંનેના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
મુળ નેપાળનો પ્રકાશ તેજબહાદુર સિંગ અને તેના પત્નિ મનિષા સિંઘ તેની એકની એક પુત્રી મેનુકા ઉ. 3 વર્ષ 2 માસ સાથે વોચમેનના રૂમમાં રહી રેસિડેન્સીની ચોકીદારી કરે છે જ્યારે અન્ય વોચમેન ગોકુલ રંગબહાદુર ચંદ તેના પત્નિ સિતા તથા એક પુત્રી પ્રકૃતિ ઉ. 3 વર્ષ 9 માસ તથા એક 11 માસના પુત્ર સાથે શિલ્પન ઓનેક્સમાં વોચમેનના રૂમમાં રહી નોકરી કરે છે ગોકુલ અને તેનો પરિવાર હજુ 17 દિવસ પહેલા જ અહિ નોકરીએ જોડાયો છે બંને વોચમેનની દિકરીઓ મેનુકા અને પ્રકૃતિ દરરોજ સાથે રમતી હોય ગત રાતે બંને સાઇકલ ફેરવવા માટે નીકળી હતી. ગત રાત્રે સાયકલ ચલાવવા ગયા બાદ એકાદ કલાક સુધી પરત નહિ આવતાં બંનેના પરિવારે શોધખોળ શરૂ કરી હતી એ દરમિયાન રેસિડેન્સીના સ્વીમિંગ પૂલ પાસે બંનેની સાઇકલ જોવા મળી હતી
- Advertisement -
ત્યાં એક રહેવાસીએ સ્વીમિંગ પૂલમાં જોતાં બંને બાળા પાણીમાં દેખાતાં દેકારો મચી ગયો હતો. તુરત જ બંનેને બહાર કાઢી 108 બોલાવાઇ હતી જો કે બંને બાળાને 108ના તબિબે મૃત જાહેર કરતાં નેપાળી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ દિલીપ રત્નુ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ બંને બાળાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં લાડકવાયી દિકરીઓના મૃત્યુથી બંને બાળાના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આમ તો દરરોજ સ્વીમિંગ પૂલ બંધ જ હોય છે અને પાણીમાં ઉતરવા તથા બહાર નીકળવા માટેની ઝાપલી પણ બંધ હોય છે. શનિ-રવી હોઇ રેસિડેન્સીના રહેવાસીઓ પૂલમાં ન્હાવા જતાં હોઇ કદાચ ઝાપલી ભુલથી ખુલી રહી જતાં બંને દિકરીઓ રમતી રમતી ત્યાં પહોંચી ગયા બાદ પૂલમાં પડી ગઇ હોઇ શકે છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.