એમપીથી ચોરખાનામાં સંતાડી દારૂ લઇ આવતા હતા: 4.71 લાખની મત્તા કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીની ટીમે આટકોટ બાબરા રોડ પર વોચ ગોઠવી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના નામચીન બુટલેગર સહિત બેને ઝડપી લઇ ચોરખાનામાંથી 550 બોટલ દારૂ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી પૂછતાછ કરતા એમ્પીથી લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે 4.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અપાયેલી સૂચના અન્વયે દારૂ જુગારના કેસ શોધી કાઢવા રાજકોટ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા આર.વી. ભીમાણી તેમજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, ધર્મેશભાઈ બાવળીયા અને કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલી બાતમી આધારે આટકોટના બાબરા રોડ મહિલા કોલેજ પાસેથી શંકાસ્પદ કાર અટકાવી કારની જડતી લેતા કારમાં બનાવેલું ખાસ ચોરખાનું મળી આવ્યું હતું જેમાંથી 1,51,250નો 550 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે જુનાગઢમાં સુખનાથ ચોક કિશોરીવાડામાં રહેતા જહાંગીર અમિનભાઈ શેખ અને જૂનાગઢમાં ઉપરકોટ પાસે રહેતા આનંદ છગનભાઈ સરવૈયાને ઝડપી દારૂ, બે મોબાઈલ અને કાર સહિત કુલ 4.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા આ બંને શખસોની પૂછતાછ કરતા તે મધ્યપ્રદેશથી કારમાં દારૂ ભરી જુનાગઢ જતા હોવાનું જણાવ્યું હતુ આ કેસમાં જૂનાગઢમાં રહેતા વિકી સિંધીનું નામ ખુલ્યું હતું. દારૂ સાથે ઝડપાયેલ જહાંગીર શેખ જૂનાગઢના સી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.



