આગ લાગે ત્યારે જૂનાગઢ, કેશોદ, વંથલીથી ફાયર ફાઈટર બોલાવવા પડે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જુનાગઢ જિલ્લાની માણાવદર પાલીકાના બન્ને ફાયર ફાઈટર અને બુલેટ ફાઈટર પણ બંધ હાલતમાં છે. જેથી આગ લાગે તો માણાવદરમાં જુનાગઢ,કેશોદ, વંથલી કે ધોરાજી, ઉપલેટા જેવા 22 થી 45 કીમી દૂરથી મદદ માટે બોલાવવા પડે છે.રાજકોટ જેવી દુર્ઘટના અહી બને તો બીજા શહેરમાંથી ફાયર ટીમ પહોંચે ત્યાંતો ખુવારી સર્જાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં ભયંકર આગની દુર્ઘટના બની છે. ત્યારે સરકારે તંત્રને સમગ્ર રાજ્યમાં ગેમઝોન બંધ કરવા સૂચના આપી છે અને અન્ય સ્થળે ચેકીંગ કરવા થોડા દોડાવ્યા છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છેકે કોટન સિટી તરીકે જાણીતા માણાવદર નગર પાલિકા પાસે 2 ફાયર ફાઇટર અને 1 બુલેટ ફાઇટર આવેલા છે જે પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માણાવદર શહેરમાં ક્યાંય પણ આગ લાગે તો અન્ય જુનાગઢ મહાનગર પાલિકા કે અન્ય નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવી પડે છે અને તેની મદદ લેવી પડે છે ત્યારે માણાવદરમાં ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જાનહાની અને માલહાની સર્જી શકે છે. એક તરફ રાજકોટની ભયંકર આગની દુર્ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી ગઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં માત્ર ગેમઝોન નહિ પરંતુ અન્ય સ્થળે પણ દુર્ઘટના ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.
આ અંગે માણાવદર પાલિકા ચીફ ઓફિસર એમ.આર.ખીચડીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માણાવદર પાસે જે ફાયર ફાઈટરો છે તે દોઢ થી બે વર્ષના સમયગાળાથી બંધ હાલતમાં છે. જો નાની ઘટના બને તો ભૂગર્ભ ગટરના જે વાહનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટી ઘટના બને તો આજુબાજુના શહેરોના ફાયર વિભાગની મદદ લેવામાં આવે છે આ અંગે જે ફાયર ફાઈટરો બંધ છે તેને રીપેરીંગ કરવાની અને તેમજ નવા ફાયર ફાઈટરની સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.