પૂર્વ CM, DYCMને આગળ બેસાડાશે!
ડો.નીમાબેન આચાર્ય બનશે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ
ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે, જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાન જનક સ્થિતિમાં મુકાવવું ના પડે અને તેમનું માન સમ્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડશે.
- Advertisement -
રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું આજથી મળશે. આ સત્રમાં વિવિધ 4 કાયદા, સુધારા કાયદાઓ આવશે. બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષમાં ઉમેદવાર ઊભો રાખતા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે. ઉપરાંત કોંગ્રેસ કોવિડ સારવાર, મૃતકોને સહાય, વાવાઝોડા,અતિવૃષ્ટિ સહિતના મુદ્દે ગૃહમાં વિરોધ વ્યક્ત કરશે.વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની પસંદગી નક્કી થઈ છે,જોગવાઈ પ્રમાણે ગૃહ શરૂ થાય એટલે સૌ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકશે અને પછી સર્વાનુમતે તેમની વરણી થશે. આ પછી ગૃહની કાર્યવાહીનો આરંભ થશે.
બે દિવસીય સત્ર દરમિયાન ગૃહમાં ચાર વિધેયક લવાશે
- Advertisement -
બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લવાશે. આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.