– ઢોર નિયંત્રણ કાનૂન સરકાર પાછો ખેંચે છે કે હળવો કરે છે તેના પર માલધારી સમાજની નજર : ગુજસીટોક સહિતના કાનૂનોની ગૃહની મંજૂરી મેળવાશે
– સાંજે ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો : વિપક્ષ દ્વારા સરકારને ભીડવવાના વ્યૂહ નક્કી થશે
- Advertisement -
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિધાનસભાનું બે દિવસનું અંતિમ સત્ર આવતીકાલથી શરુ થઇ રહ્યું છે તે સમયે કોંગ્રેસ પક્ષ સરકારને ભીડવવા માટે અનેક મુદ્દાઓ સાથે સજ્જ થઇ છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજના જબરા વિરોધ બાદ હવે ગત સત્રમાં જે ઢોર નિયંત્રણ કાનૂન વિધાનસભામાં મંજૂર કરાયો હતો તેનો અમલ નહીં કરવા અને વર્તમાન સત્રમાં આ કાયદો પરત લેવા અથવા તો તેમાં સુધારા કરવાની પણ તૈયારી છે.
આજે સાંજે ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં આવતીકાલથી શરુ થનારા સત્રની વ્યૂહ રચના ઘડવામાં આવશે. વિધાનસભામાં આ ઉપરાંત અનેક સુધારા ખરડા પણ તૈયાર કરવામાં આવશે અને ભાજપ દ્વારા તેમના તમામ ધારાસભ્યોને વિધાનસભાના બે દિવસના સત્રમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.
સરકાર દ્વારા જો કે એક તરફ હાઇકોર્ટના આકરા વલણથી ઢોર નિયંત્રણ કાનૂન પાછો ખેંચવા અંગે પણ જબરી દ્વિધાની સ્થિતિ છે અને હવે વિધાનસભામાં સરકાર શું વ્યૂહ અપનાવે છે તેના પર સૌની નજર છે. રાજ્યમાં વર્તમાન વિધાનસભાનું આ અંતિમ સત્ર છે અને પ્રથમ દિવસે બે સત્ર વચ્ચે દિવંગત થયેલા રાષ્ટ્રીય નેતાઓ તથા વિધાનસભાના વર્તમાન અને પૂર્વ સભ્યોને શ્રધ્ધાંજલી આપતો એક પ્રસ્તાવ રજૂ કરાશે.
- Advertisement -
આ ઉપરાંત સત્ર દરમિયાન ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટ (ગુજસીટોક)માં સુધારા વિધેયક લવાશે અને સરકારે વટહુકમથી જે સુધારા કર્યા છે તે મંજૂર કરાશે. આ ઉપરાંત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકમાં રાજ્યમાં ચાલતી લો કોલેજોને નેશનલ લો યુનિવર્સિટી સાથે સાંકળવાનો સુધારો કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ એક્ટમાં પણ સુધારો થસે. રાજ્ય સરકાર દ્વારા આ સત્રમાં કેટલીક મહત્વની જાહેરાત પણ થશે.