ગોંડલનો 11 ચોપડી ભણેલો શખ્સ લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં
જૂનાગઢનો શખ્સ 10 વર્ષથી ડિગ્રી વગર દર્દીઓને બાટલા ચડાવતો હતો 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે બોગસ તબીબોને રૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરો પર કાર્યવાહી કરવા આપેલ સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ પી. બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ પરબતભાઇ શામળા, વિરરાજભાઈ ધાંધલ અને કલ્પેશભાઈ કોઠીવારને બાતમી મળી હતી કે ધોરાજીના વાડોદર ગામમાં મેઈન બજારમા એક દુકાનમાં ધવલ વીનોદ બગથરીયા નામનો શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર કલીનીક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે આ બાતમી આધારે દરોડો પાડતાં શ્રીજી ક્લિનિક નામના દવાખાનામાથી જૂનાગઢના ધવલ વીનોદ બગથરીયા ઉ.44ને સકંજામાં લઇ પૂછતાછ કરતા સી.એમ.એસ. કોર્ષના સર્ટી આધારે ક્લિનિક ચલાવતો હતો. તેમજ દર્દીઓને આપાતી ટેબ્લેટસ, ઇન્જેકશનો, બોટલો, સીરપ તથા આઈ.વી.સેટ મેડીકલ પ્રેકટીશને લગત મેડીકલ પ્રેકટીશ કરવા બાબતનું કોઇ આધાર પુરાવો ન હોવાથી તેની ધરપકડ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ મળી 2509નો મુદામલ કબ્જે કર્યો હતો બોગસ તબીબે બીએસસી સુધીનો અભ્યાસ કરેલ છે અને તે છેલ્લા 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યું હતું.
બીજા દરોડામા એએસઆઈ વિપુલભાઇ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શીવરાજભાઇ ખાચર, અનિરૂધ્ધસિંહસિંહ જાડેજા અને નૈમીષભાઇ મહેતાને મળેલ ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભરૂડી ગામની સીમમાં પેંટાગોન રોડ પર દરોડો પાડી દુકાન ભાડે રાખી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ગોંડલના બીપીન લખમણ દોગાને પકડી પાડી તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ મળી 67,812 નો મુદામાલ કબ્જે કર્યો હતો પકડાયેલ શખ્સે ધો.11 સુધીનો અભ્યાસ કરેલ છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.



 
                                 
                              
        

 
         
        