મેંદરડામાં ‘પીળા પત્રકારત્વ’ સામે વેપારીઓનું રોષ સાથે આવેદન
ન્યાય નહીં મળે તો મેંદરડા બંધના એલાનની વેપારી એસોસિયેશનની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
મેંદરડા-સાસણ રોડ પર આવેલી જાણીતી મહેશ હોટલના સંચાલકને પત્રકાર હોવાનો રોફ જમાવી ધમકાવનારા શખ્સો સામે મેંદરડા વેપારી એસોસિયેશને લાલઆંખ કરી છે. લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને મોટી સંખ્યામાં વેપારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને લેખિત રજૂઆત કરી કડક પગલાં ભરવાની માંગ કરી હતી. હોટલ સંચાલક જીગાભાઈ ચંદુભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, કેટલાક શખ્સો હોટલ પરથી સબ્જી લઈ ગયા હતા અને અડધા કલાક પછી પરત આવી સબ્જી ખરાબ હોવાનું કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. સંચાલકે નવી સબ્જી બનાવી આપવા અથવા પૈસા પરત લેવાની તૈયારી બતાવી હોવા છતાં, આ તત્વોએ વિડિયો ઉતારી ’જોઈ લેવાની’ ધમકી આપી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હોટલને બદનામ કરતા ન્યૂઝ પ્રસારિત કરી માનહાનિ કરી હતી. મેંદરડામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારના નામે તોડબાજી અને દાદાગીરી કરનાર ટોળકી સક્રિય થઈ છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સરફરાજ રફાઈ અને પારસ મકવાણા જેવા કહેવાતા પત્રકારો ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. વેપારીઓએ માંગ કરી છે કે આ શખ્સો ખરેખર અધિકૃત પત્રકારો છે કે કેમ તેની તપાસ થાય અને તેમની સામે ગુનો નોંધવામાં આવે. વેપારી એસોસિયેશને ચેતવણી આપી છે કે જો આવા લુખ્ખા તત્વો સામે પોલીસ કડક દાખલો નહીં બેસાડે, તો આગામી સમયમાં ’મેંદરડા બંધ’ પાળવામાં આવશે. હાલમાં ત્રણ પાનાની લેખિત ફરિયાદ આપીને તમામ વેપારીઓએ ન્યાયની માંગ કરી છે.



