ગજબ આપખુદશાહી: ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને વેનેઝુએલાના ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ જાહેર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. વેનેઝુએલા પર અમેરિકન સૈન્ય કાર્યવાહી અને ત્યાંના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, હવે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાને વેનેઝુએલાના ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ એટલે કે ‘કાર્યકારી રાષ્ટ્રપતિ’ જાહેર કરી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર એક ડિજિટલી એડિટ કરેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ટ્રમ્પે પોટ્રેટની નીચે તેમને ’એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા’ તરીકે દર્શાવ્યા છે. આ પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે તેઓ જાન્યુઆરી 2026થી આ પદ પર બિરાજમાન છે. અનુસંધાન પાના નં. 2 પર
ગ્રીનલેન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની ધમકી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકા ગમે તે ભોગે ગ્રીનલેન્ડ લઈને જ રહેશે. ટ્રમ્પનો દાવો છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો નહીં કરે તો ચીન અથવા રશિયા કબજો કરી લેશે. એર ફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું છે, હું નથી ઈચ્છતો કે રશિયા અથવા ચીન ગ્રીનલેન્ડ લઈ લે. હું વાતચીતના માધ્યમથી ડીલ કરવાનું પસંદ કરીશ. ડીલ કરવી જ સરળ રહેશે, પણ છેવટે ગમે તે ભોગે ગ્રીનલેન્ડ લઈને જ રહીશું. પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ ગ્રીનલેન્ડ લેવા માટે સૈન્ય કાર્યવાહી કરવા આદેશ આપશે? તો તેમણે કહ્યું, કે અમેરિકાનું ધ્યાન માત્ર ગ્રીનલેન્ડ પર અધિકાર સ્થાપિત કરવા પર છે. અમને ગ્રીનલેન્ડ લીઝ પર અથવા થોડા સમય માટે નથી જોઈતું. પણ અમે ગ્રીનલેન્ડના એકમાત્ર માલિક બનવા માંગીએ છીએ. ટ્રમ્પે વધુમાં કહ્યું, કે ગ્રીનલેન્ડની સુરક્ષા વ્યવસ્થા ખૂબ નબળી છે. ત્યાં નામ પૂરતી સુરક્ષા થઈ રહી છે. ગ્રીનલેન્ડની આસપાસ રશિયા અને ચીનના યુદ્ધ જહાજોની હાજરી છે. ત્યાં અમેરિકાની સેનાની માત્ર હાજરીથી કામ નહીં થાય. અમને ગ્રીનલેન્ડની માલિકી જોઈએ છે. નોંધનીય છે કે ગ્રીનલેન્ડ ડેન્માર્કનું એક સ્વાયત્ત ક્ષેત્ર છે. આર્કટિકમાં શિપિંગ રૂટ અને મિલીટરી કોરિડોરના કારણે ગ્રીનલેન્ડનું ખૂબ મહત્ત્વ રહ્યું છે.



