ટ્રમ્પે જાણે કૂહાડા પર પગ માર્યો હોય તેવી સ્થિતિ: અમેરિકામાં સૌથી લાં…બું શટડાઉન: અત્યારસુધી ₹1 લાખ કરોડનું નુકસાન, 14 લાખ લોકો લોન લઈને પોતાનું ઘર ચલાવી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
1 ઓક્ટોબરથી શરૂ થયેલા યુએસ સરકારી શટડાઉનનો આજે 36મો દિવસ છે. આ યુએસ ઇતિહાસનું સૌથી લાંબું શટડાઉન છે. અગાઉ 2018માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સરકાર 35 દિવસ માટે બંધ રહી હતી. ટ્રમ્પ હેલ્થ કેર પ્રોગ્રામની સબસિડી વધારવા તૈયાર નથી, એને કારણે અમેરિકી સંસદના ઉપલા સદન સિનેટમાં ફંડિંગ બિલ પાસ થયું નથી. આ બિલ પર અત્યારસુધી 13 વખત વોટિંગ થઈ ગયું છે, પરંતુ દરેક વખતે બહુમત માટે જરૂરી 60 મતથી 5 મત ઓછા રહી ગયા.
શટડાઉનથી અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસ (CBO) અનુસાર, નુકસાન પહેલાંથી જ 11 બિલિયન (આશરે ₹1 લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે. જો શટડાઉન ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય, તો ચોથા ક્વાર્ટરમાં દેશની GDP 1%થી 2% ઘટી શકે છે.
વોશિંગ્ટન સ્થિત બાયપાર્ટિસન પોલિસી સેન્ટર અનુસાર, અત્યારસુધીમાં 670,000 સરકારી કર્મચારીને રજા પર મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 7,30,000 લોકો પગાર વિના કામ કરી રહ્યા છે. આના કારણે આશરે 1.4 મિલિયન લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે દેવા પર આધાર રાખે છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી શટડાઉનને કારણે હવાઈ ટ્રાફિક પર ભારે અસર પડી છે. GDP રિપોર્ટ અનુસાર, 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યુએસમાં 16,700થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 2,282 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
દરરોજ 3300 કરોડ રૂપિયાના પગારનું નુકસાન
CBO અનુસાર રજા પર ઉતારેલા કર્મચારીઓને દરરોજ આશરે 400 મિલિયન (₹3,300 કરોડ) પગારનું નુકસાન થઈ રહ્યું છે. CBOના ડિરેક્ટર સ્વેગેલે જણાવ્યું હતું કે શટડાઉનને કારણે સરકારી ખર્ચમાં વિલંબ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ અસર કંઈક અંશે ઓછી થશે, પરંતુ સંપૂર્ણપણે નહીં.



