મોટામવા પાસે રહેતા ભરત કુછડિયા અને લખન કાનજીનું કારસ્તાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા ટ્રકચાલક સૂરજભાઇ રસિકભાઇ ડાંગરે (ઉ.વ.25) બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટામવા સ્મશાનની બાજુમાં રહેતા ભરત દેવા કુછડિયા, તેની સાથે રહેતા લખન કાનજી નાઘેરા અને દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા કુખ્યાત વસીમ ઉર્ફે બચ્ચો બસીર સમાના નામ આપ્યા હતા. સૂરજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે જાન્યુઆરી 2023માં રૂ.11.50 લાખમાં ટ્રક ખરીદ કરી હતી, 1 લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ તરીકે ચૂકવ્યા હતા જ્યારે બાકીની રકમ ફાઇનાન્સ કંપનીમાથી લોનપેટે લીધી હતી. પાંચેક મહિના પહેલાં નાણાંની જરૂરિયાત ઊભી થતાં લખનભાઇએ ટ્રક વેચવા માટે તેના મિત્ર ભરત કુછડિયાને વાત કરતાં ભરત તથા તેના સાથીદાર લખન નાઘેરાએ પોતે જ ટ્રક ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બંનેએ રૂ.50 હજાર સૂરજભાઇને ટોકન સ્વરૂપે આપી દીધા હતા અને ટ્રકની બાકીની લોનની રકમ રૂ.11,17,920 ભરપાઇ કરવાની બંનેએ જવાબદારી સ્વીકારી હતી. જેથી સૂરજભાઇએ પોતાની ટ્રક ભરત અને લખનને સોંપી દીધી હતી. લોનના બે હપ્તા બાઉન્સ થતાં સૂરજે ફોન કરતા બંનેએ ગલ્લાં તલ્લાં કર્યા હતા.
બંનેની હિલચાલ શંકાસ્પદ લાગતાં સૂરજે તપાસ કરતાં ભરત અને લખને નામચીન ઇસમ વસીમ ઉર્ફે બચ્ચાને ટ્રક વેચી દીધાનું જાણવા મળ્યું હતું. પોલીસે ભરત અને લખનને ઉઠાવી લીધા હતા અને નાસી છૂટેલા વસીમ ઉર્ફે બચ્ચાની શોધખોળ શરૂ કરી હતી. ભરત કુછડિયા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જલારામ સોસાયટીમાં રહેતા સંજયભાઇ રમણીકભાઇ કણજારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માલિકીની કાર વેચવાની હોય તેમણે તેમના એક મિત્રને જાણ કરી હતી. મિત્ર મારફત ભરત કુછડિયાનો સંપર્ક થયો હતો અને ભરતે કાર જોવા માટે બોલાવતા પોતે કાર લઇને ગયા હતા અને રૂ.6 લાખમાં કારનો સોદો નક્કી થયો હતો. જે પૈકી રૂ.3 લાખ ભરત કુછડિયાએ કાર જોઇ તે વખતે જ આપી દીધા હતા અને બાકીના રૂ.3 લાખ ટીટીઓ ફોર્મમાં સહી કર્યાની સાથે જ ચૂકવવાનું નક્કી થયું હતું. જોકે બાદમાં ભરતે વેચાણ કરાર કરવામાં ગલ્લાં તલ્લાં શરૂ કર્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.