ભારત નિર્માતા સરદાર વલ્લભ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી રાજુ ધ્રુવ દ્વારા શબ્દાંજલી
ભારતીય લોકશાહી-લોકતાંત્રિક વ્યવસ્થાના સર્જક-પિતા સરદાર પટેલના અધૂરા કાર્યો- સંકલ્પો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરા-સાકાર કરી સરદારને સાચી અંજલિ આપી રહ્યા છે: રાજુ ધ્રુવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
15 મી ડિસેમ્બર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ. આજના દિવસે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતા સૌરાષ્ટ્ર- ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુગલોથી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી શાસકો-તાનાશાહોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને અંગ્રેજ સરકાર-દેશી રાજાશાહીથી મુક્ત કરી વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલ ને આજે સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે.
દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને 563 રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો.
તેમણે ઉમેર્યું છે કે સરદાર પટેલના અધૂરા કાર્યો સપનાના એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને જીવંત રાખવા માટે પોતાનું સમગ્ર ખર્ચી નાખનાર સરદાર પટેલને ખુદ કોંગ્રેસ તેમજ નહેરૂ-ગાંધી પરિવારે હરહંમેશ અન્યાય જ કર્યો છે. હવે કોંગ્રેસ સરદાર સાહેબના નામે રાજનીતિ કરી છે. ચૂંટણી સમયગાળા પૂરતું સરદાર સાહેબનું નામ વટાવવું કે તેમના નામે ચરી ખાવું એ કોંગ્રેસને શોભા આપતું નથી.
જેમના લોહીના ટીપેટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે. બીજી તરફ કોંગ્રેસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણથી લઈ તેની મુલાકાત સુધી માત્ર વિરોધ અને ટિકા જ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે જ્ઞાતિ-જાતિની રાજનીતિ કરનાર કોંગ્રેસના ક્યાં મોટા નેતાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે? એકપણ નહીં. અરે.. સરદાર પટેલ પ્રત્યે પ. નહેરુને જેટલી કટ્ટરતા ભરેલી કડવાશ હતી એટલી જ કટ્ટરતાપૂર્ણ કડવાશ આજે ગાંધી પરિવાર અને કોંગ્રેસ રાખી રહ્યું છે.
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન પછી 41 વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પ્રશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને 1991 પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં સરદાર પટેલનું દેશ માટેનું યોગદાન શું ઓછું હતું? સરદાર પટેલની આટલી હદની અવગણના આપણા દેશની કોંગ્રેસી સરકારોએ શા માટે અને કયા કારણથી કરી એવો પ્રશ્ન હવે દેશની નવી પેઢી પણ પૂછી રહી છે. કોંગ્રેસના પાપ છાપરે ચડી પોકારવાના શરૂ થયા છે એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલ માટે નકલી અને દંભી વ્યવહાર કરી રહી છે પણ અંદરખાને આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે અભાવ અને સુગ દાખવી રહી છે.
દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનોયે આવી ગયો હોત. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશવાસીઓ – લોકો યાદ કરે છે કે ભારત જેવા પરાધીન રાષ્ટ્રની નવરચના અને બંધારણીય લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતને સર્વોચ્ચ મહત્વ આપતા સર્વોત્તમ નિર્ણયો રહ્યા હતા. આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલની કમી- ખાલીપો-જગ્યા કોઈ પૂરી કરી શકે તેમ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલે ચીંધેલ રાષ્ટ્રહિતની સર્વશ્રેષ્ઠ વિચારધારા પર ચાલીને ભાજપ અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક-નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રયત્નો કરી રહ્યા છે જેના થકી સરદાર વલ્લભભાઈ પટેલને ખરું સન્માન મળે, ન્યાય મળે અને તેમના સપનાઓનું ભારત નિર્માણ થાય. ઈતિહાસમાં ક્યારેય ન હતું એવા અખંડ, અકલ્પનિય અને એક વિશાળ-મહાકાય ભારતનું તથા ભારતીય લોકતંત્ર-લોકતાંત્રિક વ્યવસ્થાઓ નું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન કરતાં રાજુભાઈ ધ્રુવે રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.