ફડાકા મારી મોબાઈલ ઝુંટવી લીધા : ‘વધુ પૈસા મંગાવ નહિ તો જવા નહિ દઈએ’ કહી રોફ જમાવ્યો
પ્ર.નગર પોલીસે ગણતરીની કલાકોમાં ટ્રાફિક બ્રિગેડ સહીત ચારેયની ધરપકડ: 21 લાખ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે મુકાયેલા ટીઆરબી જવાનોની કરતૂતને લીધે પોલીસને પણ નીચું જોવા જેવું થતું હોય છે અગાઉ દારૂ અને પોલીસના નામે તોડમાં પણ ટીઆરબી જવાનો પકડાઈ ચુક્યા છે ત્યારે હવે પોલીસની ઓળખ આપી લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે ગત બપોરે વેપારીને ટીઆરબી જવાન આણી ટોળકીએ રેસકોર્ષ પાસે આંતરી પોલીસની ઓળખ આપી 32 લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવી, કાંઠલો પકડી. ફડાકા ઝીંકી દેતા પ્ર. નગર પોલીસે ફરિયાદ નોંધી ટીઆરબી જવાન સહીત ચારેય આરોપીને દબોચી લઈ 21 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના નામે થયેલી 32 લાખની લૂંટ અંગે શહેરના 150 ફૂટ રિંગરોડ પર શીતલ પાર્ક પાસે આવેલ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતાં અને એગ્રીકલ્ચર પ્રોડકટનું કામ કમીશનથી કરતા સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યા ઉ.50એ શાહબાઝ મોટાણી અને ત્રણ અજાણ્યાં સામે પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં લૂંટ, અપહરણ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેને ભૂતખાના ચોક પાસે આવેલ રોયલ કોમલેક્સમાં એકતા એન્ટ્રપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતા શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે 32 લાખ આપ્યા હતા તેના ભાવમા કપાસની ગાસડી મળતી ન હોય જેથી ખરીદી કરી ન હતી જેથી 32 લાખ પરત માંગતા શૈલેશભાઈએ કહ્યું કે તમારા રૂપીયા અમારો માણસ તમને રેસકોર્ષ લવ ગાર્ડન પાસે આવીને આપી જશે આ પછી ફરીયાદી રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે ગઈકાલે બપોરના 12-30 વાગ્યા આસપાસ એકટીવા લઈને પહોંચ્યા હતાં ત્યારે શૈલેશભાઈ સાથે મારે ફોનમા વાતચીત ચાલુ હતી અને કોન્ફરન્સમા તેમને જે ભાઈ રૂપીયા આપવા માટે આવવાના હતા તેની સાથે વાત કરાવેલ અને શૈલેશભાઈએ ફોનમા જણાવ્યા મુજબની કીયા કાર રેસકોર્ષ અંદર લવ ગાર્ડન પાસે પડી હતી તેઓ ત્યાં જય આ કીયા કારવાળા ભાઈ સાથે વાતચીત કરી તેને રૂપીયા ભરેલ થેલો આપતા જ ત્યાં એક્સેસ અને બાઇકમાં બે-બે એમ ચાર શખ્સો ધસી આવ્યા હતા એક્સેસમા આવેલ વ્યકતીએ પોલીસની ઓળખાણ આપી કાંઠલો પકડી ઝપાઝપી કરી, ગાળો બોલી, થપ્પડ મારી રૂપીયા ભરેલો થેલો લુંટી લીધો હતો અને તેની સાથે આવેલ વ્યકતીને થેલો આપી દીધો હતો તે બે અજાણ્યા વ્યકતીઓ રૂપીયા ભરેલ થેલો લઈને ભાગી ગયા હતા અને આ એકસેસવાળા ભાઈ કે જેણે પોતે પોલીસ છે તેમ કહેલ હતુ તેણે થપ્પડ મારીને કહ્યું કે, તમારા એકટીવાની ડેકી ખોલો મારે ચેક કરવી છે. તેમ કહી બે મોબાઈલ પણ ઝુંટવી લીધા હતાં ત્યારે તેઓને તે વ્યકતી પોલીસ છે તેવુ ન લાગતા તેને કહેલ કે, મને તમે પોલીસ સ્ટેશન ખાતે લઈ જાવ તમે જે માહીતી પુછશો તેના જવાબ હુ તમને પોલીસ સ્ટેશનમાં આપીશ તો તે વ્યકતી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે, મારુ નામ સાહબાજ મોટાણી છે અને હું પોલીસ જ છુ તેમ કહી ગાળો આપી એક કલાક સુધી ક્યાય જવા દીધો ન હતો બાદમાં તેને એકટીવામા બેસાડીને રેસકોર્ષ ખાતે આવેલ મહીલા ગાર્ડન પાસે લઈ ગયો હતો અને ત્યા પહોચતા તે એકટીવામાથી ઉતરી બાલભવન તરફ જતા રસ્તે ભાગી જતા ફરી ઝાપટ મારીને ગાળો દઈ પરાણે એકસેસમાં બેસાડી મહીલા ગાર્ડન પાસે લઈ જઈ અડધી કલાક બેસાડી રાખી માર માર્યો હતો તેમજ તુ તમને પૈસા આપવાવાળા માણસને બોલાવ અને વધારાના પૈસા અપાવ નહી તો અમે તને જવા નહી દઈએ તેમ કહી બે મોબાઈલ ફોન પરત આપી દેતા તેને કહેલ કે, હુ પોલીસ સ્ટેશન ખાતે જઈશ તો, તેને કહેલ કે, તારે જયા જવું હોય ત્યા જા તેમ કહી આ બંન્ને જણા ત્યાથી ભાગી ગયા હતાં. બાદમા તેઓ પ્ર.નગર પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ફરીયાદ પરથી પ્ર.નગર પીઆઇ વી આર વસાવા અને ટીમે ગુનો નોંધી તુરંત તપાસ શરુ કરી ગુનાને અંજામ આપનાર આરોપી શાહબાઝ મોટાણી અને તેની ટોળકીના અતિક સુમરા અને મહેશ વાઘેલાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ તમામ મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી લૂંટમાં પકડાયેલ આરોપી શાહબાઝ મોટાણી ટીઆરબી તરીકે ટ્રાફિક પોલીસમાં નોકરી કરે છે અને તે પોલીસની ગાડીનો ડ્રાઈવર પણ છે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે જાણવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અગાઉ દારૂ સાથે, સ્પામાં તોડકાંડમાં પણ TRBની ભૂંડી ભૂમિકા સામે આવી હતી
રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે પાર્ક કરેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે કેસમાં પણ ટીઆરબી જવાનની સંડોવણી ખુલી હતી. આ ઉપરાંત યુનિવર્સીટી રોડ ઉપર એક સ્પામાં પોલીસના નામે તોડ કરવા ગયેલી ટોળકીને પોલીસે પકડી પાડ્યા હતા તેમાં પણ એક ટીઆરબી જવાનની સંડોવણી ખુલી હતી આમ પોલીસના નામે ચરી ખાતી ટીઆરબી ટોળકીએ વધુ એક ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.
પૈસા આપનાર વિક્રમે શાહબાજને ટીપ આપી હતી
પોલીસે આરોપીની આગવી ઢબે પૂછતાછ કરતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો જેમાં શૈલેષભાઇ પાસેથી પૈસા લઈને ફરિયાદીને આપવા આવનાર વિક્રમ નામના શખ્સે અગાઉથી જ શાહબાઝને ટીપ આપી હતી કે આ પ્રકારની લેતી દેતી થવાની છે જેથી વિક્રમે જણાવેલ સમય મુજબ શાહબાઝ તેની ટોળકી સાથે રેસકોર્ષમાં તૈનાત થઇ ગયો હતો વિક્રમે થેલો આપતા જ શાહબાઝ ટોળકી સાથે ત્રાટક્યો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો.
વિક્રમે 11 લાખ કાઢી લીધા હતા: શૈલેષ અને વિક્રમ બંને ગાયબ
32 લાખ રોકડ ભરેલા થેલામાંથી વિક્રમે પહેલા જ 11 લાખ રૂપિયા કાઢી લીધા હતા પછી જે થશે તે જોયું જશે તેવું સમજીને રોકડી કરી લીધી હતી જો કે ફરિયાદીનું અપહરણ કરી લૂંટ ચલાવ્યાની સાથે જ વિક્રમ નાસી છૂટ્યો હતો જો કે આ પ્રકરણમાં પૈસા આપવા આવેલો વિક્રમ અને જેણે પૈસા મોકલ્યા હતા તે શૈલેષભાઈ બંને ગાયબ થઇ જતા રહસ્યના આટા પાટા સર્જાયા છે.



