મોરબી મનપાના સફળ શાસનનું એક વર્ષ: વિકાસકાર્યોના લેખાજોખા રજૂ કરાયા
આગામી બજેટ માટે જનભાગીદારી વધારવા ચછ કોડ લોન્ચ: વિકાસના મજબૂત રોડમેપ સાથે શહેરી સુવિધાઓમાં મોટો ઉછાળો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
વર્ષ 2025ના પ્રથમ દિવસે અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકાએ પોતાના એક વર્ષના કાર્યકાળનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો છે. ’શહેરી વિકાસથી જન સુખાકારી’ના મંત્ર સાથે મનપાએ માળખાકીય સુવિધાઓ, પરિવહન અને પર્યાવરણ ક્ષેત્રે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. નાગરિકો માટે નવી વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડબ્રેક ₹31.22 કરોડનો ટેક્સ વસૂલાત થયો છે. આગામી 2026-27ના બજેટને ’લોકશાહી બજેટ’ બનાવવા માટે મનપાએ ચછ કોડ લોન્ચ કર્યો છે, જેના દ્વારા લોકો સીધા સૂચનો આપી શકશે.
વર્ષ 2025ના પ્રારંભે મહાનગરપાલિકાનો દરજ્જો મેળવ્યા બાદ મોરબીએ વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. મનપાના પ્રથમ એક વર્ષના અહેવાલ મુજબ, શહેરીજનોની સુખાકારી માટે માળખાકીય સુવિધાઓનો આદર્શ રોડમેપ તૈયાર કરી અનેક કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. શહેરના માર્ગોને સુધારવા માટે ₹10.38 કરોડના ખર્ચે 8.8 કિમી લંબાઈના 13 રોડ તૈયાર થઈ ગયા છે, જ્યારે આગામી સમયમાં એસ.પી. રોડ અને ચક્કર રોડ પર વાઈટ ટોપિંગની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, નાની કેનાલ પાસે આઈકોનિક રોડ અને લીલાપર રોડના વાઈડનીંગના કામોથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.
વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા માટે ₹266 કરોડના ખર્ચે ત્રણ નવા બ્રિજ નિર્માણ પામનાર છે, જેમાં ગુજરાતનો ચોથો અત્યાધુનિક કેબલ બ્રિજ મોરબીની શાન વધારશે. ઉમિયા સર્કલ ખાતે ફ્લાય ઓવર અને લીલાપરથી દલવાડી સર્કલ સુધીના કેનાલ ક્ધઝ્યુટ પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. જળ અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે મનપાએ લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹63 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈનનું આયોજન કર્યું છે. પંચાસર અને રણછોડનગર જેવા વિસ્તારોમાં નવા વોટર નેટવર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે અને પાનેલી તળાવ પાસે 25 એમએલસીનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થશે. શહેરની સુંદરતા અને પર્યાવરણ જાળવવા માટે સરદારબાગ, કેસર બાગ અને સૂરજબાગના નવીનીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સનાળા લેક બ્યુટીફિકેશન પ્રોજેક્ટ શહેરની રોનક બદલી નાખશે. સ્વચ્છતા અભિયાન હેઠળ 2.35 લાખ ટન જૂના કચરાનો નિકાલ કરી 100 ટકા ડોર-ટુ-ડોર કલેક્શન શરૂ કરાયું છે. વહીવટી તંત્રને પેપરલેસ બનાવવા માટે નવી મોબાઈલ એપ અને વેબસાઈટ લોન્ચ કરાઈ છે, જેનાથી ટેક્સ વસૂલાતમાં મોટો ઉછાળો આવ્યો છે. આગામી 2026-27ના બજેટને જનલક્ષી બનાવવા માટે મનપાએ પ્રથમવાર ચછ કોડ દ્વારા લોકોના સૂચનો મંગાવ્યા છે, જે લોકશાહી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
માળખાકીય સુવિધાઓ અને પરિવહન
- Advertisement -
રોડ નેટવર્ક: ₹10.38 કરોડના ખર્ચે 8.8 કિમીના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. એસ.પી. રોડ સહિત 3 વાઈટ ટોપિંગ રોડ અને આઈકોનિક રોડની કામગીરી પ્રગતિમાં છે.
બ્રિજ પ્રોજેક્ટ: ₹266 કરોડના ખર્ચે ત્રણ બ્રિજ નિર્માણ પામશે, જેમાં ગુજરાતનો ચોથો કેબલ બ્રિજ મોરબીનું નવું આકર્ષણ બનશે. આ ઉપરાંત ઉમિયા સર્કલ ફ્લાય ઓવરનું કામ પણ હાથ ધરાશે.
ભૂગર્ભ અને પાણી: ₹100 કરોડથી વધુના ખર્ચે ડ્રેનેજ લાઈન, સ્ટ્રોમ વોટર નેટવર્ક અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી આયોજન હેઠળ છે. 120 વાડી વિસ્તારોમાં ’નલ સે જલ’ યોજના પૂર્ણ કરાઈ છે.



