જિલ્લામાં મોબાઈલ એપ દ્વારા 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પશુધન વસ્તી ગણતરી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં મોબાઈલ એપ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પશુગણતરી અંગે તાલીમનું આયોજન કરાયું હતું.
- Advertisement -
પશુપાલન વ્યવસાય ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિવિધ રાજ્યો સાથે ગુજરાત રાજ્યમાં પશુપાલન અંગે વિવિધ નીતિઓના આયોજન તેમજ પશુપાલન ક્ષેત્રે પશુઓનો ડેટા બેઈઝ તૈયાર કરવા પશુધન વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.
પોરબંદર જિલ્લાના ર1 મી પશુધન વસ્તી ગણતરીના જિલ્લા નોડલ અધિકારી નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પશુધનની ગણતરી કરાશે. 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 4 માસ સુધી પશુઓની ઔલાદવાર ગણતરી કરાશે. જિલ્લામાં ર1 મી પશુધન વસ્તી ગણતરી માટે 43 ગણતરીદારો, 6 સુપરવાઈઝરો, જિલ્લા નોડલ અધિકારી સહિત પચાસ અધિકારી, કર્મચારીઓ આ કામમાં જોડાશે.
આ પશુધન વસ્તી ગણતરી માટે નિયત થયેલ ગણતરીદાર તથા સુપરવાઈઝરો માટે તાલીમ યોજાઈ હતી. જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન થયું હતું.