શાંતિનગરના સિટી કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટમાં બની ઘટના
14 વર્ષીય વિદ્યાર્થિની વડોદરાથી માસીના ઘરે રજા ગાળવા આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાંતિનગરમાં સીટી કોર્ટયાર્ડમાં રહેતા માસી અંજલીબેનના ઘરે આવેલી 14 વર્ષીય ધ્વનિ મકવાણા રમતી વખતે સાતમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારે વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે. ફ્લેટની બારીઓમાં ગ્રીલ લગાવવી દરેકે જરૂરી બને છે. આવો બનાવ અગાઉ પણ બની ચુક્યો છે. ગોંડલ રોડ પર આવેલી પાઈનવિન્ટા હોટેલમાં પણ બારીનો ભાગ ખુલ્લો હોવાથી દોઢ વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું.
- Advertisement -
રાજકોટમાં માસીના ઘરે વડોદરાથી વેકેશન માણવા આવેલી ધો.9ની વિદ્યાર્થિની અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. જોકે ગંભીર રીતે ઘવાયેલી તરુણીને સારવર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધ્વનિ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.9માં અભ્યાસ કરતી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી ધ્વનિ રાજકોટમાં રહેતા માસી અંજલીબેનના ઘરે વેકેશન ગાળવા આવી હતી. દરમિયાન માસીના ઘરે પેટી ઉપર ચડીને નીચે જોવા જતા અકસ્માતે સાતમા માળેથી પટકાતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.