સુદાનથી એન્જિનિયરિંગ કરવા આવેલા યુવકના મોતથી ભારે શોક
મૃતકના પરિવારને જાણ કરી મૃતદેહ મોકલવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-મોરબી રોડ પર રતનપર પાસે આઇસર ટ્રકના ચાલકે એક્ટિવા ચાલકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ સુદાનનો અને હાલ રતનપરમાં વિધ્યાર્થીઓ સાથે રૂમ ભાડે રાખી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મેજોક ગેબરીયલ પીલોક ઉ.20 હોવાનું જાણવા મળ્યું હતું મૃતક વિદેશી વિદ્યાર્થી હોવાથી મારવાડી યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓને પોલીસે જાણ કરી હતી. વધુ તપાસ કરતાં અકસ્માતનો ભોગ બનનાર વિદ્યાર્થી ગવરીદળથી રતનપર તરફ જતો હતો. ત્યારે મોરબી રોડ પર પાછળથી આવતા આઇસર ટ્રકે હડફેટે લીધો હતો જેમાં વિદ્યાર્થીને ગંભીર ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે વિદેશી વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા જ્યારે બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને સકંજામાં લઈ લીધો હતો. મૃતક સાઉથ સુદાનનો વતની હોવાનું તેમજ અહીં મારવડી યુનિવર્સિટીમાં 2022થી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી તેનો મૃતદેહ વતનમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.