ટ્રાફિક P.I. નકુમ પોલીસ ખાતા માટે શરમરૂપ
રેન્જ આઈજીએ વિવાદાસ્પદ અને બેજવાબદાર મનીષ નકુમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલો
- Advertisement -
કર્ણાટકના તત્કાલીન રાજ્યપાલ વજુભાઈ વાળા સોમનાથ દર્શને આવવાના હતા, તેથી પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતું ત્યારે પ્રભાસ પાટણ પાસેથી એલસીબીએ 9 લાખની કિંમતની 387 પેટી વિદેશી દારૂ સાથે કેટલાંક શખ્સોને ઝડપી લીધા હતા. જે અંગે તત્કાલીન રેન્જ આઈજી રાજકુમાર પાંડીયને પ્રભાસ પાટણનાં પીઆઈ મનીષ નકુમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે મનિષ નકુમ પોતે વિવાદિત અધિકારી તરીકેની છાપ ધરાવે છે. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પહેલા તેઓ વડોદરા ખાતે ફરજ બજાવતા હતા. તે પહેલા તેઓ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ પણ રહી ચૂક્યા છે. જે તે સમયે વિવાદોની અંદર તેમનું નામ આવતા તત્કાલીન શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી હટાવી પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપ્યો હતો ત્યારે પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે હવે ફરી તેઓ રાજકોટ ટ્રાફિકમાં પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
પોલીસ તંત્રની આબરૂનાં ધજાગરાં કરવામાં નિષ્ણાંત ગણાતા P.I. મનીષ નકુમ ટ્રાફિક P.I. તરીકે પણ દાદાગીરી કરવામાં રત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ટ્રાફિક પી.આઈ. મનીષ નકુમ પોતાની કામગીરી દર્શાવવા એક તરફ આડેધડ નિર્દોષ વાહનચાલકોના ટુ એન્ડ ફોર વ્હીલર ડિટેઈન કરી રહ્યા છે બીજી તરફ ભૂતકાળમાં અનેક વખત તેમની જ ફોર વ્હીલર ટ્રાફિક નિયમોનો ભંગ કરતી જોવા મળી છે. મનીષ નકુમ પોતે ટ્રાફિકના નિયમો પાળવા ટેવાયેલા નથી, અન્ય કોઈ નાના એવા વાહનચાલકો ટ્રાફિક નિયમો તોડે તો હજારો રૂપિયાનો દંડ કરી વાહન ડિટેઈન કરી નાખે છે.
- Advertisement -
કોન્ટ્રોવર્સી અને સસ્પેન્શન જાણે મનીષ નકુમને અસરકર્તા જ નથી. તેઓ પોતાની કામગીરીથી અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. આમ છતાં મનીષ નકુમ થોડા પણ સુધરતા કે કશું પણ શીખતાં નથી. ખાખીની આડમાં તેઓ કાયદાનું ચિરહરણ કરી રહ્યા છે. ગુનેગારોને સબક શીખવવાની જગ્યાએ નિર્દોષોને રંજાડી રહ્યા છે. માથાભારે પોલીસવાળા તરીકે જાણીતા બની ચૂકેલા મનીષ નકુમને ક્યા પોલીસ અધિકારી કાયદાનો પાઠ ભણાવશે એ જોવું રહ્યું.
મનીષ નકુમે પત્નીની ગાડીનો ટોલ માંગનાર કર્મીને ઢોરમાર માર્યો હતો
વેરાવળ પાસેના ડારી ટોલનાકે તત્કાલીન પ્રભાસ પાટણનાં પીઆઇની ખાનગી ઇનોવાને રોક્યા બાદ ડ્રાઇવર સાથે રકઝક થઇ હતી. જોકે, તુરંત દોડી આવેલા મેનેજરે કારને જવા દીધી હતી. પરંતુ તત્કાલીન પીઆઇ નકુમએ બાદમાં ટોલનાકે ધસી આવી કર્મચારીને બેફામ માર મારી પોલીસ સ્ટેશને ઉઠાવી ગયા હતા અને ત્યાં પણ તેને માર માર્યો હતો. આ અંગે કર્મચારીએ અને તેના મેનેજરે એસપી સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. વાત જાણે એમ બની હતી કે, તા. 25 નવે. 2017ના રોજ સાંજે 6:36 વાગ્યે જીજે 18 બીડી 9567 નંબરની ઇનોવા કાર વેરાવળના ડારી ટોલનાકે આવી હતી. કારના ડ્રાઇવરે પોલીસની કાર હોવાની ઓળખાણ આપી. ફરજ પરના કર્મચારી રવિ કિશન ભદોરીયાએ પૂછ્યું સાહેબ સાથે છે. આથી ગાડીમાં બેસેલી મહિલાએ પોતે પ્રભાસ પાટણ પીઆઇ મનીષ નકુમનાં પત્ની હોવાની ઓળખ આપી હતી.
આ માથાકૂટ દરમિયાન કર્મચારીએ ટ્રાફિક કંટ્રોલરને જાણ કરતાં ઉદય સોલંકી બુથ પર ગયા અને ગાડીને જવા દીધી. બાદમાં તત્કાલીન પીઆઇ નકુમનાં નામે ટોલ બુથનાં આસી. મેનેજર જયદીપ નારણભાઇ વીરડાને ફોન ગયો અને કર્મચારી સાથે વાત કરાવવા કહી તેને ગાળો દીધી. અને પછી ટોલનાકે ધસી આવી રવિ કિશનને માર મારી તેને પોતાના પત્ની પાસે લઇ ગયા અને પૂછ્યું, આણેજ ગાડી રોકાવી હતી ને? તેમના પત્નીએ હા કહેતાં તેને ફરી બેફામ માર માર્યો હતો. ટોલ મેનેજર વચ્ચે બોલવા જતાં તેને પણ ફડાકો મારી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને ટોલકર્મીને પોલીસ જીપમાં નાખી ઉઠાવી જઇ પોલીસ સ્ટેશનમાં પણ તત્કાલીન પીઆઇ નકુમે તેની પત્નીની હાજરીમાં ફરી બેફામ માર મારી મોડી રાત્રે દોઢેક વાગ્યે પોલીસની જીપમાં ટોલબુથ પર છોડી ગયા હતા.