પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
જામ રાવળના વંશજો આજે પણ મંદિર અને વિસ્તારના વિકાસમાં સહભાગી થાય છે !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો ભક્તજનો ઉમટી પડતા હોય છે પરંતુ કોરોના કાળને પગલે છેલ્લા બે વર્ષથી જડેશ્વરનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે બે વર્ષના વિરામ બાદ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત લોક મેળાને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખુલ્લો મુક્યો હતો. અહીં દર શ્રાવણ માસના બીજા સોમવારે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને લાખો લોકો આ મેળાનો આનંદ માણવા માટે પરિવાર સાથે ઉમટી પડતા હોય છે. મેળાના ઉદઘાટન પ્રસંગે જડેશ્વર મહાદેવ મંદિરના ઈતિહાસની વાત કરતા રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, જામ રાવળના વંશજો આજે પણ આ મંદિર તેમજ વિસ્તારના વિકાસમાં સહભાગી થતા રહે છે. સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા કામથી વિવિધ ધાર્મિક ક્ષેત્રોની કાયાપલટ થઈ છે તથા રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે. ઉપરાંત હર ઘર તિરંગા હેઠળ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ લોકોને તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી તેમજ સમગ્ર ચામોસુ સારું જાય તેવી મહાદેવને પ્રાર્થના પણ કરી હતી.
આ ઉપરાંત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમો આ લોક મેળો ઘણા વર્ષોથી યોજાઇ રહ્યો છે. આ તકે મંત્રીએ લોક મેળામાં તમામ રાઈડ્સ બાબતે સાવચેતી રાખવા અપીલ કરી હતી તેમજ આ લોકમેળો કોઈ પણ વિઘ્ન વિના સફળ બને તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં જડેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ બ્રિજેશભાઈ મેરજાએ ગાય માતા પર આવેલા વિઘ્ન એવા લમ્પી વાયરસમાંથી ગૌધનને ઉગારવા અને આ રોગ નાબૂદ કરવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોઠારીયા પ્રાથમિક શાળાની બાળાઓએ શિવ તાંડવ નૃત્ય તેમજ દેશભક્તિ નાટક રજૂ કર્યું હતું.