જૂનાગઢ ઝાંઝરડા ગામમાં ટી.પી.સ્કીમનો વિરોધ
ટી.પી. સ્કીમના વિરોધમાં કલેકટરને કિસાન સંઘે આપ્યુ આવેદન: ખેડૂતોની કિંમતી જમીન વિકાસના નામે જાય તે પોસાય તેમ નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વોર્ડ નં.5માં ઝાંઝરડા ગામમાં ટી.પી.સ્કીમ લાગુ કરવા મુદ્દે થોડા દિવસ અગાઉ એક અધિકારીઓ સાથે મિટીંગ મળી હતી જેમાં ટી.પી.સ્કીમ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પણ ગ્રામજનો અને ખેડૂતોએ ટી.પી.સ્કીમનો વિરોધ કર્યો હતો. જેનો હજુ સુધી કોઇ નિવેડો નહીં આવતા આજ રોજ ભારતીય કિસાન સંઘ અને ગ્રામજનો દ્વારા ટ્રેકટર અને બાઇક સાથે બહોળી સંખ્યામાં રેલી યોજી સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.પાંચમાં આવેલ ઝાંઝરડા ગામની ગામતળની અને સીમતળની ખેતીની જમીન ગુજરાત ટાઉન પ્લાનીંગએન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-1976ના ટાઉન પ્લાન સ્કીમ લાવ્યા પહેલા જમીન માલીકને ટી.પી.સ્કીમ વિષયની પુરી માહિતી આપવાની હોય છે પરંતુ મળી નથી. જેથી આ કાર્યવાહી રદ્દ કરવા માંગ છે. ખેતીની જમીન ખેડૂતોના પરિવારની આજીવીકા હોય છે ખેડૂત પરિવાર ખેતીની જમીનથી કુટુંબનું ભરણ-પોષણ કરતા હોય છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય એને આજીવીકાનું પુરતુ ઘ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લેજો જોઇએ.
જૂનાગઢ ટાઉન પ્લાનીંગ ઓફીસર દ્વારા તા.7-11-23ની જાવિયા સ્કૂલમાં મીટીંગ બોલાવી તેમાં શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ ટી.પી.સ્કીમમાં 40 ટકા ખેતીની જમીન કપાત થાય અને તેના વિકાસ પ્લાનમાં બેટરમેન્ટ ફી વસુલાત કરવામાં આવશે. જે ફી ખેડૂતો પાસે નથી કારણ કે, ખેડૂતો ખેતીમાં ખર્ચ પ્રમાણે ભાવ મળતા નથી, આર્થિક નબળાને કારણે આપઘાત કરે છે ત્યારે આવા ટી.પી.સ્કીમ નાખીને ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે જેથી આવી ટી.પી.સ્કીમ રદ્દ કરવી. આ ટી.પી.સ્કીમમાં ખેડૂતોની જમીન 40 ટકા જમીન કોઇ પણ વળતર વગર છીનવી લેવામાં આવે છે એ અમો ખેડુતોને પરવડે તેમ નથી. આ 40 ટકા જમીન ઓછી થાય તો અમારી આજીવિકા ચલાવવામાં મુશ્કેલી થાય તેમ છે, જેથી આ ટી.પી.સ્કીમ રદ્દ કરવાની માંગ છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગર 2004માં વધુ થયુ ત્યારે આ ગામને વસ્તીની ગણતરી પ્રમાણને લીધે ભેળવેલ છે અને રેવન્યુની તમામ જમીન આપ કલેકટર સાહેબ હસ્તક રહેશે. જેમાં ખેડૂતો ખેતીની જમીનના સ્વતંત્ર માલીક છે. ખેડૂતોની સમંતી વગર કોઇપણ જમીન લઇ ના શકે, જરૂરીયાત ઉભી થાય તો 2013ના અધિનિયમ મુજબ ખેડૂતોને વળતર આપી જમીન સંપાદન કરીને લેવામાં આવે તે માંગ છે. જૂનાગઢ મહાનગરમાં 19 વર્ષમાં અમારા ઝાંઝરડા ગામમાં પ્રથમિક સુવિધા નથી મળી જેવી કે, પીવાનું શુધઘ્ધ પાણી, આરોગ્ય, ગટર રોડ/રસ્તા શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા આપેલ નથી એટલે કે ડી.પી.નથી પુરી થઇ ત્યાં આ નવી ટી.પી. પ્લાન કઇ રીતે લાગુ થાય ? અને અમુક વિસ્તારોમાં વર્ષો પહેલા ટી.પી.લાગુ થઇ છે પરંતુ અમલ અથવા વિકાસ થયેલ નથી, ત્યારે આ ટી.પી.મંજૂર કરવી યોગ્ય નથી. આ યોજનામાં અમારા ખેડૂતો અભણ અને અજ્ઞાન હોવાને લીધે ખેડૂતો અને ભારતીય કિસાન સંઘની વિશ્ર્વાસમાં લીધા વગર કોઇ પણ કાર્યવાહી કરવી નહી અને આ ટી.પી.યોજના રદ્દ કરવા આ ગામના તમામ ખેડૂતો હાજર રહીને માંગણી કરે છે કે, આ ટી.પી.સ્કીમ રદ્દ કરવી જે ભારતીય કિસાન સંઘની માંગણી છે. જો આ ટી.પી.યોજના રદ્દ ના થાય તો ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લા ભરના ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે. તેવી ચિમકી કિસાન સંઘના મનસુખભાઇ પટોળીયાએ ઉચ્ચારી હતી.