11 જિલ્લાના 58 તાલુકાના 735 ભૌગોલિક ગણતરી એકમો ઉપરથી નવી ટેકનોલોજીથી ગણતરી થશે
સાસણગીર ખાતે નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે પત્રકારોને વિગતો આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
દેશ-વિદેશના પ્રવાસીઓ જેને નિહાળવા તલપાપડ અને તાલાલા પંથકનું ગૌરવ એશિયાટિક સિંહોની 16 મી વસ્તી ગણતરીનો તા.10 મી મે નાં રોજ એ શુભારંભ થશે.સિંહ સદન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સાસણ ડિવિઝન નાં નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે તા.10 મી મેં થી શરૂ થનાર સિંહોની વસ્તી ગણતરી તા.13 મી સુધી ચાલશે જે 11 જીલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિલોમીટરમાં આવેલ 735 ગણતરી એકમો ઉપરથી ગણતરી થશે.વસ્તી ગણતરી દરમ્યાન સર્વેના ફોર્મમાં સિંહોના લોકેશન થી ઉંમર તથા વ્યક્તિગત ઓળખ સુધીના ડેટા એકત્રિત કરવામાં આવશે જેમાં સિંહોના બચ્ચા સહિત ની વિગતો પણ આવરી લેવામાં આવશે.આ ઉપરાંત ગણતરીકારો સિંહોના શરીર ઉપરની તમાંમ વિગતો સાથે ડિજીટલ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરશે.આ માટે વનવિભાગના સ્ટાફને પુરતી તાલીમ થી સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યા છે.1936 થી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે અત્યાર સુધીમાં 15 વખત સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી 16 મી વસ્તી ગણતરીની નવી ટેકનોલોજી થી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં સિંહ અને પર્યાવરણ પ્રેમી સર્વે લોકોએ સંપૂર્ણ સહયોગ સાથે જોડાવવા ડો.મોહન રામે 11 જીલ્લા ની 58 તાલુકાની આમ જનતાને અનુરોધ કર્યો છે.
ખુલ્લામાં સિંહો દેખાય તો વનવિભાગને જાણ કરો :
- Advertisement -
સિંહોની વસ્તી ગણતરી દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં ખુલ્લામાં વિહરતા સિંહો જણાઈ તો તુરંત વનવિભાગને જાણ કરવા નાયબ વન સંરક્ષકે અપીલ કરી છે.ગ્રામીણ લોકો માટે અવલોકન ફોર્મ ભરવામાં આવશે જેની ગ્રામીણ અગ્રણીઓને સાથે રાખી ચકાસણી કરવામાં આવશે.આ સિંહ વસ્તી ગણતરીમાં આવેલ છે કે કેમ..?તેની પણ સંપૂર્ણ ખરાઈ કરવામાં આવશે.
ગણતરીકારો ટ્રેનિંગથી સજ્જ છે :
વનપાલ,વન રક્ષક,સહાયક તેમની સાથે બે મદદનીશ ગણતરીકાર અને સ્વયંસેવકોની બનેલ ટીમ સિંહોની વસ્તી ગણતરીની કામગીરી સંભાળશે.આ કામગીરી ચોકસાઈપૂર્વક થાય માટે ગણતરીકારોને આધુનિક ટેકનોલોજી થી સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે.ગણતરી ફોર્મમાં સમય,જીપીએસ લોકેશન,સિંહોના ઓળખ ચિન્હો,પ્રવૃતિ,મુવમેન્ટ ની દિશા વિગેરે વિસ્તૃત નિરીક્ષણ નિર્ધારિત નિયત પત્રકમાં નોંધ કરવામાં આવશે.



