નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા: વિમાની સેવા પ્રભાવિત: તાપમાન નોર્મલ કરતાં 7 ડીગ્રી નીચે સરકી ગયુ
ખાસ-ખબર સંવાદદાતા
પાટનગર દિલ્હી તથા એનસીઆરમાં આજે એકાએક મોટો હવામાન પલટો થયો હતો. વહેલી સવારે જ મુશળધાર વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વિમાની સેવા પ્રભાવીત થઈ હતી.
- Advertisement -
દિલ્હીમાં આજે સવારે 10 કિલોમીટરની તેજ ઝડપના પવન સાથે ભારે વરસાદ ખાબકયો હતો. આંધી ફુંકતી હોવાના માહોલ વચ્ચે વીઝીબીલીટી પણ ઘટી ગઈ હતી. પરીણામે વિમાની સેવા પ્રભાવીત થઈ હતી. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે વરસાદી વાદળો ઘસી આવ્યાને પગલે મુશળધાર પાણી વરસ્યુ હતું. 70 કિલોમીટર જેવી તેજ ગતિનો પવન ફુંકાતા આંધીનું વાતાવરણ સર્જાયુ હતું. દિલ્હી ઉપરાંત હરીયાણા, ઉતરપ્રદેશ, રાજસ્થાનનાં કેટલાંક ક્ષેત્રોમાં પણ સમાન હવામાન પલ્ટો રહ્યો હતો.
વરસાદી માહોલ વચ્ચે પાટનગરમાં વાતાવરણ ખુશ્નુમાં બન્યુ હતું. આવતા ત્રણ-ચાર દિવસ આવુ જ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. તાપમાનનો પારો પણ નોર્મલ કરતાં સાત ડીગ્રી નીચે સરકીને 19.3 ડીગ્રી નોંધાયો હતો. વિઝીબીલીટી ઘટવાના કારણોસર વિમાની સેવા પ્રભાવીત થઈ હતી. અને ચાર ફલાઈટોને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. દિલ્હીમાં ધરણા કરી રહેલા કુસ્તીબાજોના ટેન્ટ પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે પશ્ચિમી હિમાલયન ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય છે. પરીણામે ઉતર પશ્ચિમી ભાગોમાં આવતા બે-ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે આ દરમ્યાન પવનનુ જોર પણ રહેશે.