ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વરસાદી માહોલ સર્જાયો છે. રાજુલા પંથકમાં મોડીરાતથી વરસાદનું આગમન થયું હતું અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. રાજુલા શહેર સાથે ડુંગર, માંડળ, છાપરી, કુંભારીયા, દેવકા, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી, નવી-જુની માંડરડી અને ધારેશ્વર સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો, તો બીજી તરફ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-2 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો. ગઈકાલે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે વહેલી સવારથી જ 10 દરવાજા 0.10 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજુલા તાલુકાના છાપરી ગામ પાસેની જોલાપરી નદીમાં ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ચલાલા, બાબરા, લાઠી, લિલિયા, ધારી અને બગસરા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
ધાતરવડી ડેમ-2 100 ટકા ભરાઈ જતા 10 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ, જોલાપરી નદીમાં ઘોડાપૂર, નદી બે કાંઠે વહેતી