ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.11
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે વિવિધ શહેરમા છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જીલ્લાના રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરબાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ એન્ટી થઇ હતી. જેમા રાજુલા, જાફરાબાદ, ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. રાજુલા તાલુકાના નવી-જુની માંડરડી, આગરીયા, વાવેરા, ડુંગર, છતડીયા, હિંડોરણા સહિતના ગામોમા વરસાદ પડયો હતો. રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસ્યો હતો. અને વરસાદને પગલે રાજુલા શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં વિજપોલ તથા વાઇફાય ટાવર ધરાશાયી થવાની ધટના બની હતી. રાજુલા શહેરના સાંઇબાબા મંદિર પાસે આવેલ પ્રાથમિક ક્ધયા શાળા નં-2 ની ઉપર વાઇફાય ટાવર ઉભો કરવામા આવ્યો હતો. જે વાઇફાય ટાવર ભારે પવનથી ધરાશાયી થયો હતો. અને વાયફાય ટાવર ધરાશાયી થતાં બાજુમા એક મકાનની છત પર નુકસાન થયુ હતું. જોકે વાઇફાય ટાવર નીચે ખાબકતા જાનહાની ટળી હતી. તેમજ રાજુલા બાયપાસ રોડ પર આગરીયા જકાતનાકા નજીક પવનને કારણે વીજપોલ ધરાશાય થતાં રોડ પર પડી ગયો હતો. થોડીવાર માટે માર્ગ બંધ થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પીજીવીસીએલ ટીમ દ્વારા ધરાશાય વીજપોલ હાટાવાની કામગીરી હાથ ધરી હતી.
- Advertisement -
વીજપોલ હટાવ્યા બાદ માર્ગને ખુલ્લો મુકવામા આવ્યો. આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદ પગલે વાવેરા ગામે આવેલ ઘાણો નદીમા પુર આવ્યુ હતું. રાજુલા પંથકમાં વરસાદ પગલે ખેડૂતોના ખુશી જોવા મળી હતી તેમજ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજીતરફ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. વરસાદને કારણે ખાલસા કંથારીયા ગામે વિજળી પડવાની ધટના બની હતી. જેમા ખાલસા કંથારીયા ગામના રહેણાંકી મકાનની બાજુમા નીરણમાં વીજળી પડતા આગ લાગી હતી. 1200 પુળા નીરણમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો. રાજુલા નગરપાલિકા ફાયર ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. વીજળી પડવાથી ખેડૂતની નીરણ તથા મકાનને નુકસાન થયુ છે. જોકે વીજળીને કારણે મોટી દુર્ઘટના ટળી આગમાં કોઇ જાનહાની ઇજા ન થતા હાશકારો અનુભવાયો હતો. આ સાથે રાજુલા-જાફરાબાદ બાદ ખાંભા ગીરના ગામડાઓમા સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભાના હનુમાન પુર, તાલડા, ચકરાવા, બોરાળા, કંટાળા સહિત ગામોમા પવન સાથે વરસાદ પડયો હતો. સમગ્ર વિસ્તારમાં વરસાદને લઇ માર્ગો પર પાણી વહેતા થયાં હતાં. રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.