વોર્ડનં. 11, 18 અને 12માં ટોટલ 35.59 કરોડના કામોની વણઝાર
રામવનમાં રોડ લાઈટીંગ, નવી વોર્ડ ઓફીસ, પેવરકામ સહિતની 54 દરખાસ્તોને અપાશે બહાલી : રોમટિરિયલના ભાવ વધતાં મનપાનું બજેટ ખોરવાયું
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક યોજાશે જેમાં કુલ 54 જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા થશે અને રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનો નિર્ણય લેવામાં આવશે. રામવનમાં રોડ લાઈટીંગ, નવી વોર્ડ ઓફીસ તેમજ પેવર કામ સહિતની 54 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવનાર છે.
વોર્ડ નં. 11માં સમાવિષ્ટ થયેલા મોટા મવા તેમજ આસપાસના વિસ્તારોમાં પાણીના વિતરણ માટે ડીઆઈ પાઈપલાઈન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સેનિટરી ઈન્સ્પેકટર દિપક કલ્યાણજી વાંઝાને કમળાની સારવાર માટે થયેલ ખર્ચ પેટે આર્થિક તબીબી સહાય ખાસ કિસ્સામાં મંજૂર કરવા અંગે, વોર્ડ નં. 11માં જીવરાજ રેસિડન્સી, અંબિકા ટાઉનશીપ પાસે 100 એમ.એમ. એન્ડ 200 એમ.એમ. ડાયા. ડી.આઈ. પાઈપલાઈનનું કામ મંજૂર કરવા અંગે, વોર્ડ નં. 18માં આવેલા સાંઈબાબા સર્કલથી રેલ્વે ટ્રેક સુધી તથા સ્વાતિ 24 મીટર રોડ મેટલિંગ કરવાના કામ અંગે, 7 આંગણવાડી બનાવવા કામ અંગે તેમજ કોઠારીયામાં માધવ રેસિડન્સીમાં મેટલીંગ કરવાના કામ અંગે, વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપ જીવરાજપાર્કના આંતરિક રસ્તામાં પેવર કાર્પેટ કરવા અંગે, વોર્ડ નં. 18માં જુદી જુદી સોસાયટીમાં ડામર કાર્પેટ અને વોર્ડ નં. 12માં પુનીતનગર 80 ફૂટ રોડ, શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર અને અન્ય વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈનના કામ અંગેની દરખાસ્તો મંજૂર કરવામાં આવશે. તાજેતરમાં રોમટિરિયલના ભાવમાં વધારો થવા પામ્યો છે. સીમેન્ટ, સ્ટીલ, રેતી સહિતની અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થતાં મનપાનું બજેટ ખોરવાયુ છે. રોમટિરિયલના ભાવ વધતાં અન્ય દરખાસ્તો જે મંજૂર કરવામાં આવનાર છે તેના ખર્ચ બમણો થશે. આ ખર્ચ અંતે આમજનતાની કમ્મર પર જ છે.
વોર્ડ નં. 11માં જુદા જુદા કામના 35.59 કરોડ, વોર્ડ નં. 18માં 7 કરોડ, વોર્ડ નં. 12માં 4.88 કરોડ આમ ટોટલ 35.59 કરોડના કામની વણઝાર થશે. વોર્ડ નં. 11માં નવા સમાવિષ્ટ થયેલા મોટા મવા તથા આસપાસના વિસ્તારોમાં પાણીના વિતરણ માટે ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક (ફેઈઝ-2) તૈયાર થશે. વોર્ડ નં. 11ના આ કામનું ટેન્ડર રૂા. 8.34 કરોડનું હોઈ બિડર હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડના 41.77 ટકા વધુ ભાવ આવતા એકંદર રૂા. 11.82 કરોડનો ખર્ચ થશે. વોર્ડ નં. 11માં 8.51 કરોડ તેમજ આર્યલેન્ડ રેસિડન્સી અંબિકા ટાઉનશીપ પાસે 100 એમએમ ડાયા તથા 300 એમએમ ડાયા. માટે 36.85, જીવરાજ રેસિડન્સી અંબિકા ટાઉનશીપ પાસે 100 એમએમ એન્ડ 200 એમએમ ડાયા. ડીઆઈ પાઈપ લાઈન માટે 21 લાખ, શહેરના વોર્ડ નં. 18માં આવેલા સાંઈબાબા સર્કલથી રેલ્વે ટ્રેક સુધી તેમજ સ્વાતિ 24 મીટર રોડનું મેટલિંગ કરવા અંગે 1.36 કરોડ, 7 આંગણવાડી બનાવવા માટે 70 લાખ, કોઠારીયામાં આવેલ ટીપી 12માં આવેલ લિજજત પાપડથી સ્વાતિ મેઈન રોડ તેમજ અન્ય કામો માટે કુલ મળીને 35.59 કરોડનો ખર્ચ મંજૂર કરાશે.
આ ઉપરાંત કોવિડ સંદર્ભે સમયાંતરે ખરીદ કરવામાં આવેલ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટનું ખર્ચ બહાલ કરવા અંગે 14.57 લાખ, આરોગ્ય તંત્રને સુદ્દઢ કરવા માટે આઉટસોર્સિંગ એજન્સી મારફત મેળવેલ મેનપાવરનું ખર્ચ મંજૂર કરવા અંગે 1.28 કરોડનો ખર્ચ થશે. આમ આવતીકાલે 54 જેટલી દરખાસ્તો પર ચર્ચાવિચારણા કરવામાં આવશે.



