માલિયાસણ ટોલપ્લાઝા ટ્રાફિક, એરપોર્ટ મુસાફરી અને રોજિંદી આવાગમન પર કરશે અસર
કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતની નેશનલ હાઇ-વે ઓથોરિટીને રજૂઆત
- Advertisement -
ટોલપ્લાઝા અંગે પુનર્વિચાર કરીને અન્ય વૈકલ્પિક જગ્યા પર ખસેડવા માંગ
ટોલ પ્લાઝાનું તમામ કામ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે
કોઈ નિરાકરણ નહીં આવે તો જન આંદોલનની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક અને રાજકોટ શહેરની તદ્દન નજીક ઊભા થઈ રહેલા ટોલ પ્લાઝા અંગે શહેરી નાગરિકો, ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. ટોલ પ્લાઝાનું સ્થાન અને આયોજન શહેરના હિતોને અવગણીને કરવામાં આવ્યું હોવાના આરોપો ઉઠી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી (ગઇંઅઈં) ને લેખિતમા રજૂઆત કરીને આ ટોલપ્લાઝા અંગે પુનર્વિચાર કરીને અન્ય વૈકલ્પિક જગ્યા પર ખસેડવા માંગ કરી છે અને આગામી સમયમા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં કરવામા આવે તો જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું કે જરૂર પડ્યે આગામી સમયમા આયોજનબદ્ધ રીતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા ચોરા મીટીંગો, પત્રિકા વિતરણ કરીને લોકોને જાગૃત કરીશું અને બાદ એક મોટું આંદોલન પણ કરીશુ. આ અંગે ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ તથા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિનું સર્વાંગી મૂલ્યાંકન કર્યા વિના ટોલ પ્લાઝાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જે લોકહિતના સિદ્ધાંતો વિરુદ્ધ છે. જો યોગ્ય અને સમયસર નિરાકરણ નહીં કરવામાં આવે તો વિશાળ જનઆંદોલન તથા વિવિધ રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે અને આ ટોલ પ્લાઝાને શહેરી વિસ્તારમાં કોઈ કાળે ઊભું થવા દેવામાં નહીં આવે તેવી રજૂઆતમા ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ટૉલ પ્લાઝાથી આ સમસ્યા ઊભી થશે
શહેરની નજીક ટૉલ પ્લાઝા
ટ્રાફિકજામ અને અકસ્માતોનું કેન્દ્ર : શહેરની સીમાને અડોળ નજીક ટોલ પ્લાઝા ઉભો કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે. વાહનો અચાનક ધીમા પડવાથી તથા લેન બદલાવના કારણે મોટા અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે.
એરપોર્ટ માર્ગ પર ટૉલ : સમય વેડફાટ અને ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યા
રાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ પ્લાઝા આવેલો હોવાથી એરપોર્ટ જતા મુસાફરો માટે આ માર્ગ સૌથી વધુ સંવેદનશીલ બની જશે. ટોલ પ્લાઝા પર સર્જાતો ટ્રાફિક જામ મુસાફરોના કિંમતી સમયનો નાશ કરશે, જેના કારણે ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ન શકે અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ રાજકોટ જેવા વિકસતા શહેરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડશે.
એરપોર્ટ મુસાફરો પર આર્થિક બોજ અને ટેક્સી ભાડામાં વધારો
ટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતા-જતા તમામ મુસાફરોને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. ટોલ ખર્ચનો ભાર ટેક્સી અને કેબ સંચાલકો દ્વારા ભાડામાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે એરપોર્ટ સુધીનું પરિવહન મોંઘું બનશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત અયોગ્ય છે.
રિંગ રોડ-3 પર ટોલ, શહેરી નાગરિકો પર અન્યાય
રાજકોટની રિંગ રોડ-3 આ ટોલ પ્લાઝાની બહાર આવે છે અને રિંગ રોડ-2 એ ટોલ પ્લાઝાની અંદર આવતા શહેરી નાગરિકોને શહેરની અંદર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ટોલ ચૂકવવાની ફરજ પડશે. નેશનલ હાઇવેના નામે શહેરની આંતરિક અવરજવર પર ટોલ લાદવો શહેરી નાગરિકો સાથે સીધો અન્યાય છે.
ઉદ્યોગ, વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટ હબ પર અસર
માલિયાસણ વિસ્તાર આસપાસ મોટા પ્રમાણમાં વેરહાઉસ, ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને લોજિસ્ટિક હબ આવેલાં છે. ટોલ પ્લાઝા શરૂ થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો બોજ માલસામાનના ભાવમાં ઉમેરાશે. પરિણામે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી બનશે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડશે.



