અમદાવાદનો શ્રેષ્ઠ કહી શકાય એવો ગાર્ડન અમારી સોસાયટીમાં આવેલો છે. ટોરેન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવેલો સુકાન ગાર્ડન સાસણ ગીરના જંગલની યાદ અપાવે તેવો ગીચ વૃક્ષોથી છવાયેલો છે. ગઈ કાલે મોર્નિંગ વોક દરમ્યાન એક સુંદર ઘટના બની ગઈ.
ઘટાટોપ અર્બન જંગલ વચ્ચે આવેલી માટીની ટ્રેક ઉપર હું ચાલતો જતો હતો ત્યાં સાવ નવું પરણેલું દેખાતું એક યુગલ જોવા મળ્યું. મારી વાર્તાઓમાં આવતી નાયિકા જેવી સૌંદર્યવાન નવોઢા હતી અને એની સાથે શોભે તેવો સોહામણો એનો પતિ હતો. બંને જણા ખુશ દેખાતા હતા. એક બીજાથી સહેજ પણ અળગા થવા ન માંગતા હોય એવી રીતે વળગી વળગીને ચાલતા હતા. એક સ્પોટ પર ઊભા રહીને બંને સેલ્ફી લઈ રહ્યા હતા પણ સેલ્ફીમાં કંઈક જામતું હોય તેવું તેમના ચહેરા પરથી લાગ્યું નહીં, કારણ કે સેલ્ફીમાં માત્ર બંનેના ચહેરા જ આવતા હતા.
ત્યાંથી પસાર થતા મેં પૂછ્યું, “ખફુ ઈં વયહા ુજ્ઞી?” બંને આનંદિત થઈ ઉઠ્યા. યુવાને પોતાનો મોબાઈલ મારા હાથમાં મૂકી દીધો. હું એમને મારા મન પસંદ સ્પોટ પર લઈ ગયો. ઘટાટોપ ઉગેલા વાંસના કમાનાકાર બેક ગ્રાઉન્ડની આગળ ઊભા રહી અને મેં એમના ફોટોસ્ પાડી આપ્યા. થોડાંક લોંગ શોટ્સ, થોડાંક કલોઝ અપ્સ. મોબાઈલ યુવાનના હાથમાં પાછો આપતા મેં કહ્યું, “મારો ફોટોગ્રાફિનો રેટ એક ફોટોના એક લાખ રૂપિયા છે.” સાંભળીને એ બંને હસી પડ્યાં.
તે જ સમયે એક વડીલ ત્યાંથી પસાર થયા. એ પણ રોજ ચાલવા માટે આવતા હોવાથી મને ઓળખતા હતા. એમણે આ દૃશ્ય જોયું અને પેલા યુગલને પૂછ્યું, “તમે જાણો છો કે તમારા ફોટોગ્રાફ્સ કોણે પાડી આપ્યા? તમે અખબારો તો વાંચતા જ હશો?”
મેં એ વડીલને આગળ બોલતા અટકાવ્યા, “રાઝ કો રાઝ હિ રહને દો. આ બંને મને એક અજાણ્યો સિનિયર સિટીઝન માને છે એટલું જ માનવા દો. હું મારા વ્યક્તિત્વની સાથે વળગેલા નામ, સર્વનામ અને અન્ય વિશેષણોના પીંછા ખેરવી રહ્યો છું. એ પીંછાઓને તમે ફરીથી મારી સાથે ના જોડો.”
પેલા પતિ પત્ની પોતાના મોબાઈલમાં મેં પાડેલા ફોટાઓ જોવા લાગ્યા. યુવતી બોલી ઉઠી, “વાઉ, અંકલ તમે પસંદ કરેલું બેકગ્રાઉન્ડ કેટલું સુંદર છે! પિક્સ મસ્ત આવ્યા છે.”
જતાં જતાં હું આટલું બોલી ગયો, “તમે જે જુઓ છો એ બેકગ્રાઉન્ડ કરતાં મેં જોયેલું બેકગ્રાઉન્ડ વધુ સુંદર છે, કારણ કે એ બેકગ્રાઉન્ડના ફોરગ્રાઉન્ડમાં તમે બંને ઊભા છો.”
આ સંપૂર્ણ ઘટના માંડ ત્રણ ચાર મિનિટ ચાલી હશે. આટલા ઓછા સમયમાં બે સાવ અજાણી વ્યક્તિઓને ખુશી આપવી એ પણ મારે મન અધ્યાત્મ જ છે. કેટલાંક સુંદર ચહેરાઓ, કેટલાંક નિર્દોષ ચહેરાઓ, કેટલાંક ખીલતી કળી જેવા ચહેરાઓ આપણી સવારને પણ સુંદર બનાવી જાય છે.