સાધુ વાસવાણી મિશનના પીઠાસીન દીદી કૃષ્ણાકુમારી રાજકોટની મુલાકાતે
22 ઓગસ્ટે સાંજે 5 થી 7 અંગ્રેજીમાં વકતવ્ય આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સાધુ વાસવાણી સેન્ટર દ્વારા લોકો માટે બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દીદી ક્રિષ્ના કુમારી દ્વારા રજૂ કરવામાં આવશે, જેમાં 20 ઑગસ્ટ એટલે કે આજે સિંધી ભાષામાં ઉપદેશ આપવામાં આવશે અને 22 ઑગસ્ટના રોજ ’ચૂઝ હેપ્પીનેસ’ (Choose Happiness) વિષય પર અંગ્રેજીમાં વક્તવ્ય યોજાશે. આ બંને કાર્યક્રમો પ્રમુખ સ્વામી ઑડિટોરિયમ ખાતે સાંજે 5:00 થી 7:00 દરમિયાન યોજાશે. સાધુ વાસવાણી સેન્ટર રાજકોટના ટ્રસ્ટી રવિ બી. ગોગિયાએ શહેરના લોકોને આ અનોખા કાર્યક્રમનો લાભ લેવા માટે ખાસ અપીલ કરી છે. દીદી કૃષ્ણા કુમારી હાલમાં સાધુ વાસવાણી મિશનના વડા છે. દીદી હજારો લોકોને માર્ગદર્શન આપનાર, નિરાશ હૃદયોને આશાનો દીપ આપનાર, નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણાથી ભરપૂર જ્ઞાનસાગર, મુશ્કેલીના સમયમાં અડગ આધાર, પ્રતિભાશાળી લેખિકા અને લોકપ્રિય પ્રેરક વક્તા છે. તેમના નેતૃત્વ હેઠળ, સાધુ વાસવાણી મિશન ભારતમાં 18 પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ અને અનેક બહુ-વિશેષતા ધરાવતા આરોગ્ય સંસ્થાનોનું સંચાલન કરે છે. આ ઉપરાંત, તેઓ ભારતમાં અને વિદેશમાં 60થી વધુ આધ્યાત્મિક કેન્દ્રો અને સામાજિક-માનવતાવાદી પ્રોજેક્ટ્સનું પણ સંચાલન કરે છે. દીદી દાદા સાથે ભારત અને વિદેશના તમામ પ્રવાસોમાં જોડાયા હતા, જેમાં પ્રતિષ્ઠિત યુનાઈટેડ નેશન્સ હોય કે વિખ્યાત રાજનેતાઓ અને આંતરધર્મીય નેતાઓ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે. દાદાના અવસાન (જુલાઈ 2018) સુધી તેમણે મિશનની સેવા “વર્કિંગ ચેરપર્સન” તરીકે કરી. દીદી આજે પણ વિશ્વભરના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો સાથે સંપર્કમાં રહી દાદાનો સંદેશ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં, દીદીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું આમંત્રણ મળ્યું હતું આ મુલાકાત દરમિયાન, દીદીએ મિશનના મુખ્ય ધ્યેયો આત્મસંસ્કાર, નિ:સ્વાર્થ સેવા અને પાત્રતાવર્ધક શિક્ષણ રજૂ કર્યા. દીદી માત્ર લેખિકા જ નહીં, પરંતુ દાદાના પ્રેરણાત્મક પ્રવચનો, ભજનો અને ઉપદેશોના સંકલનકર્તા પણ છે. મિશન દ્વારા યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, આ ઉપરાંત, મિશનની યુથ વિંગ “બ્રિજ બિલ્ડર્સ” પણ સક્રિય રીતે સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે.
રાજકોટનું સાધુ વાસવાણી સેન્ટર 40 વર્ષથી સતત કાર્યરત: સેવા, શિક્ષણ, તબીબી સહાય પૂરી પાડે છે
રાજકોટનું સાધુ વાસવાણી સેન્ટર દાદા જે.પી.વાસવાણીના આશીર્વાદથી અને ફાઉન્ડર ટ્રસ્ટી બી.બી. ગોગિયાના માર્ગદર્શન હેઠળ શરૂ થયું હતું. આ સંસ્થા 40થી વધુ વર્ષોથી સતત કાર્યરત છે અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહી છે. હાલ સેન્ટર ચેરપર્સન રવિ બી. ગોગિયા કામગીરી સંભાળી રહ્યા છે, જે તમામ સેવાકીય, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને આગળ લઈ જઈ રહ્યા છે. સાધુ વાસવાણી સ્કૂલ, સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ અને સાધુ વાસવાણી કોલેજ ફોર પેરામેડિકલ કોર્સેસમાં કુલ 3000થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ચરિત્ર નિર્માણ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવી રહ્યા છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ફીમાં રાહત, યુનિફોર્મ, સ્કૂલ બેગ અને રેઇનકોટની સહાય આપવામાં આવે છે. અભ્યાસમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ધોરણ 12 પૂર્ણ થયા બાદ કેમ્પસ અને સેન્ટર બંનેમાં જરૂરિયાત અને લાયકાતના આધારે કામ આપવામાં આવે છે. દર મહિને જરૂરિયાતમંદ પરિવારોને સેવા આપે છે, જેમાં રેશન, ચપ્પલ, રેઇનકોટ અને વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેન્સર પીડિતોને મેડિકલ બિલમાં આર્થિક સહાય આપવામાં આવે છે. ગુરુકુલના વિશેષ વર્ગોમાં બાળપણથી જ જીવનના અમૂલ્ય મૂલ્યોનું સિંચન થાય છે. હાલ 150થી વધુ વિદ્યાર્થી ગુરુકુલ દ્વારા પોતાના જીવનને નવી દિશા આપી રહ્યા છે. સાધુ વાસવાણી મેડિકલ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તમામ પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરવામાં આવે છે. અને ખાસ પ્રસંગે મફત તબીબી કેમ્પનું આયોજન થાય છે, જેમાં તપાસ, સારવાર અને દવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. શાંતિ સીલાઈ સ્કૂલ, વિદ્યા બી. ગોગિયાની દેખરેખ હેઠળ લગભગ 30 વર્ષથી સક્રિય છે. અહીં બહેનોને ફેશન ડિઝાઇનિંગ, સ્વેટર વણતર અને સીલાઈ કામ શીખવવામાં આવે છે, જેથી તેઓ પોતાના પરિવારના આર્થિક ભારને વહન કરવામાં મદદરૂપ બને છે. આ રીતે, સાધુ વાસવાણી સેન્ટર, રાજકોટ 40 વર્ષથી સેવા, શિક્ષણ, તબીબી સહાય અને યુવાનોને પ્રેરણા પૂરી પાડતું પ્રતિક બની રહ્યું છે.
સાધુ ટી.એલ. વાસવાણીજીએ રાજકોટમાં સાધુ વાસવાણી મિશનનો પાયો નાખ્યો હતો
સાધુ વાસવાણી મિશન એક સેવાભાવી અને આધ્યાત્મિક સંસ્થા છે, જેનો પાયો સાધુ ટી.એલ. વાસવાણીજી દ્વારા નાખવામાં આવ્યો હતો અને જેના વારસાને દાદા જે.પી. વાસવાણી અને વર્તમાન પ્રમુખ દીદી કૃષ્ણા કુમારી દ્વારા સતત આગળ ધપાવવામાં આવી રહ્યો છે. આ મિશનનું મુખ્ય મથક પુણેમાં આવેલું છે.



