પ.બંગાળમાં બબાલ, ઉમેદવારોને ફોર્મ ન ભરવા દેવાનો તૃણમૂલ સામે આરોપ
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત અને નોંધણી પ્રક્રિયાની સાથે હિંસા અને રાજકારણ ગરમાયું છે. ગુરુવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
વિપક્ષી દળોનો આરોપ છે કે ગત ચૂંટણીની જેમ આ વખતે પણ તૃણમૂલ તેના ઉમેદવારોને નામાંકન ભરવા દેતી નથી. આ જ કારણે હિંસા થઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચે આ વખતે નોંધણી પાછી ખેંચનારાઓ માટે નક્કર કારણો આપવાનું ફરજિયાત કર્યું છે.
- Advertisement -
IAF અને CPI(M) એ હિંસા રોકવા માટે કલકત્તા હાઈકોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. હાઈકોર્ટે કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ સાત જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. 2018ની પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે લગભગ 34 ટકા બેઠકો બિનહરીફ જીતી હતી.
ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે તેના ઉમેદવારોને નામાંકન ભરવા દેવામાં આવ્યાં નહોતાં. ઉમેદવારી નોંધાવવાના પહેલા જ દિવસે મુર્શિદાબાદ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર ફૂલચંદ શેખનું મોત થયું છે.રાજકીય વિશ્લેષકો કહે છે કે આ ચૂંટણી તમામ પક્ષો માટે તેમની તાકાતનું મૂલ્યાંકન કરવાનો માપદંડ છે.