સંચાર માધ્યમને કિરીટકાકાએ સેવાનું માધ્યમ બનાવી જાણ્યું, ‘અકિલા’ના આંગણે આવેલી એકપણ વ્યક્તિ ક્યારેય નિરાશ થઈ પરત જતી નથી…
કિરીટકાકાની વર્ષગાંઠ નિમિત્તે ‘ખાસ-ખબર’ પરિવારની શુભેચ્છા
- Advertisement -
માત્ર રાજકોટનાં જ નહીં, સૌરાષ્ટ્રનાં પત્રકારત્વનાં પિતામહ ગણાતાં કિરીટકાકા ગણાત્રાનો આજે જન્મદિવસ છે. રાજકોટથી પ્રસિદ્ધ થતાં સાંધ્ય દૈનિક ‘અકિલા’ પરિવારના મોભી કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા- કિરીટકાકાનો જન્મ 14 જૂલાઈ 1950ના રોજ થયો છે. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. મેટ્રિક બાદ કિરીટકાકાને વિજ્ઞાનપ્રવાહમાં જવું હતું, પરંતુ સારા માર્ક ન આવતાં પરિવારજનોના કહેવાથી કોમર્સમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમણે પ્રેસ સંભાળ્યું હતું. જે તેમના અને ઘણાના માટે મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. આજે કિરીટકાકાના સુકાનમાં ‘અકિલા’ની શરૂઆતથી લઈ સફળતા સુધીની સફરથી સૌ કોઈ પરિચિત છે. આજથી વર્ષો પહેલાં કિરીટકાકા અભ્યાસની સાથે સાથે બાપુજીને મદદ કરવા તેમના સાપ્તાહિક ‘જય સૌરાષ્ટ્ર’માં કામ કરતાં હતાં. તેઓ પિતા પાસેથી ચોટદાર હેડિંગ મારવાની કળા શીખ્યા હતા. કિરીટકાકાએ બાદમાં સાંજનું દૈનિક ‘અકિલા’ શરૂ કર્યું, જેને જબરદસ્ત સફળતા મળી. તેમનું સૂત્ર ‘સવારે ચા, સાંજે અકિલા’માં સહેજ પણ અતિશયોક્તિ નથી. ‘અકિલા’ના સમાચાર, હેડિંગ, રજૂઆત તમામ બાબતો હટકે હોય છે. જે પાછળ કિરીટકાકાની મહેનત અને માર્ગદર્શન રહેલા છે. ‘અકિલા’માં નાનામાં નાના સમાચારને પણ સ્થાન મળે એ બાબત દર્શાવે છે કે તેમના સંચાલક કિરીટકાકા દરેક વ્યક્તિ, વિચાર, વસ્તુને કેટલું મહત્ત્વ આપે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકોને સવારના સમયે ચાની જેમ સાંજના સમયે ‘અકિલા’ની આદત પડી ગઈ છે. આજે કિરીટકાકા અને ‘અકિલા’ એક સિક્કાની બે બાજુઓ બની ગયા છે. પત્રકારત્વજગતનો પર્યાય કહેવાય છે. તેમણે સંચારના માધ્યમને સેવાનું માધ્યમ બનાવ્યું છે ત્યારે તેમના સ્વાસ્થ્યની મંગલકામનાઓ સાથે આદરણીય કિરીટકાકાના જન્મદિવસ નિમિત્તે ‘ખાસ-ખબર’ પરિવાર તરફથી શુભેચ્છાઓ.
નાના-નાના વ્યક્તિથી લઈને દેશના વડાપ્રધાન સુધી અને સામાન્યથી લઈ સેલિબ્રિટીઓમાં દરેક જોડે કિરીટકાકાને છે પારિવારિક સંબંધો. બોલિવુડના કાકા રાજેશ ખન્ના કરતાં પણ વધુ પોપ્યુલર છે ‘અકિલા’વાળા કિરીટકાકા. કાકા સૌ માટે સન્માનિય અને પૂજનીય છે. સૌરાષ્ટ્રના અખબારો- સ્થાનિક પત્રકારો કોઈ મુશ્કેલીમાં મૂકાઈ કે મદદની જરૂર પડે એટલે કિરીટકાકાની ઓફિસે પહોંચી જાય, અડધી રાત્રે પણ અજાણ્યાની ચિંતા કરે એ કિરીટકાકા રઘુવંશી સમાજ સિવાયના સમાજની સંસ્થાઓ ઉપરાંત અન્ય કેટલીક સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કિરીટકાકાના અનુભવનો લાભ લેવાતો રહે છે. કિરીટકાકા જબરા સંગીતપ્રેમી છે. ધર્મ અને અધ્યાત્મ વિશેની ઊંડી સમજ ધરાવતાં કિરીટકાકા હરવા-ફરવા અને ખાવા-પીવાના પણ ખાસ્સા શોખીન છે. તેમની પાસે પુસ્તકોથી લઈ પરફ્યુમનો ખજાનો છે. સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં પણ જ્યારે સાંધ્ય દૈનિકનો કોઈ વિચાર પણ કરતું નહોતું કે કોઈને ખબર પણ પડતી ન હતી ત્યારે રાજકોટ જેવા સતત વિકસતા જતાં મહાનગરમાં સાંધ્ય દૈનિક શરૂ કરવાનો સાહસિક પ્રયોગ કિરીટકાકા સિવાય કોઈ કરી જ ન શકે. એ સમય એવો હતો રાજકોટમાં કે સવારના દૈનિકોની બોલબાલા હતી. બપોર પછી કોઈ અખબાર બહાર પડે એવો કોઈ કોન્સેપ્ટ નહોતો એવા સમયમાં ‘અકિલા’ સાંધ્ય દૈનિક શરૂ કરવાનું સાહસ એમણે કર્યું હતું અને આ સાહસને એમણે અદ્ભુત રીતે સફળ પણ કરી બતાવ્યું. જેનાથી અન્ય સાહસિકોને પણ બાદમાં આ ક્ષેત્રમાં કદમ માંડવાની હિંમત આવી. એ પછી ઘણા સાંધ્ય દૈનિક શરૂ થયા તેની પાછળ પ્રેરણારૂપ તો કિરીટકાકા જ ગણાય. એટલે તેઓ નિશ્ર્ચિતપણે સાંધ્ય દૈનિક કોન્સેપ્ટના પાયોનિયર છે અને પિતામહ પણ છે.