રાજકારણની જેમને થોડીઘણી પણ સમજ હોય એવા નાગરિકો માટે આ એક રાહતની વાત હતી, દેશમાં ઘણાં વર્ષે કાંખઘોડી પર ચાલતી શંભુમેળા જેવી મિશ્ર સરકારોને બદલે એક પક્ષની સરકારનો ઉદય થયો હતો
પ્રકરણ – 9
- Advertisement -
ચૂંટણીનું પરિણામ આવ્યાને બે દિવસ પસાર થઈ ગયા હતા. દેશના રાજકીય આસમાનમાં તર્પણ શર્મા, વિવેક વર્મા અને પુરૂષોત્તમ પાટિલનો સૂર્યોદય થઈ ચૂકયો હતો. રાજકીય ચર્ચાઓનો ગરમાવો હજુ અકબંધ હતો. ઈલેકશન કમિશન દ્વારા જાહેરનામું પણ બહાર પડી ચૂક્યું હતું અને તે મુજબ લોકશક્તિ મંચ સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહ્યો હતો. રાજકારણની જેમને થોડીઘણી પણ સમજ હોય એવા નાગરિકો માટે આ એક રાહતની વાત હતી,
આ કમનસીબ રાષ્ટ્રએ ઘણી નબળી સરકારોને સહન કરી છે, કુદરતી ન્યાય મુજબ પણ ઓટ પછી ભરતી આવે છે
દેશમાં ઘણાં વર્ષે કાંખઘોડી પર ચાલતી શંભુમેળા જેવી મિશ્ર સરકારોને બદલે એક પક્ષની સરકારનો ઉદય થયો હતો. આ સરકાર કોઈના ટેકાથી જ ચાલી શકે તેવી લૂલી-લંગડી પણ નહોતી તેનું એકેય અંગ લકવાગ્રસ્ત નહોતું એ વાસ્તવિકતા જ કોઈ શુભ સમાચારથી કમ નહોતી.
- Advertisement -
આજે સંસદીય પક્ષની બેઠક મળી રહી હતી અને તેમાં લોકશક્તિ મંચે પોતાનો નેતા ચૂંટી કાઢવાનો હતો. પક્ષના અધ્યક્ષ તરીકે અને સંસદીય પક્ષના મહામંત્રી હોવાનાં નાતે તર્પણ પાસે આજકાલ ઘડીની નવરાશ પણ ન હતી. છેલ્લા બે દિવસ દરમિયાન તેણે જે તમાશો નિહાળ્યો હતો એ તેનાં માટે સાવ નવી બાબત હતી. દેશનાં અનેક ઉદ્યોગગૃહોના સર્વેસર્વા ગણાય એવા લોકોએ તર્પણનું જીવવું હરામ કરી નાંખ્યું હતું. કોમર્સ મંત્રાલયનો પોર્ટફોલિયો અને નાણાં મંત્રાલયનો હવાલો પોતાનાં મનગમતા-પાળેલા સાંસદોને અપાવવા ઉદ્યોગપતિઓ ભારે ધમપછાડા કરી રહ્યા હતા. પર્યાવરણ મંત્રાલયની પણ ભારે ડીમાન્ડ હતી. લોબિંગ એટલી હદે થતું હતું કે, તર્પણ તેનાંથી ત્રાસી ગયો હતો. ભલે એ કોઈનાં દબાણમાં આવી જાય તેવો પોચટ નહોતો. પરંતુ આ પ્રકારના પ્રેશરથી તેની કામગીરીમાં ખલેલ પહોંચી રહી હતી. ચોતરફથી જાતજાતનું દબાણ તેનાં પર આણવામાં આવતું હતું. કેટલાંક શાણા સાંસદોએ દેશના ટોચનાં પત્રકારોને સાધ્યા હતા. તર્પણ કદી કોર્પોરેટસના દબાણથી ઝૂકશે નહીં એ વાત સારી પેઠે જાણતાં કેટલાંક લોકોએ દબાણનો આ અલગ માર્ગ અપનાવ્યો હતો. અગાઉ અનેક સાંસદોને મંત્રીપદ અપાવી ચૂકેલી જાણીતી પાવરબ્રોકર મીરા ફાડિયા પણ રણચંડી બનીને મેદાનમાં ઉતરી હતી. તેનું મુખ્ય કામ જ કોર્પોરેટસ અને સત્તાધિશો વચ્ચે મનમેળ કરાવવાનું હતું, બદલામાં મીરા બહુ તગડી દલાલી મેળવતી હતી.
બધા પક્ષો સાથે ઘરોબો ધરાવતાં પાવરબ્રોકર પણ જબરા એક્ટિવ હતા. ઉપરથી પ્રામાણિક હોવાનો દેખાડો કરતું ‘માતા જૂથ’ પણ પોતાનાં ઔદ્યોગિક સામ્રાજ્યનો પંજો ફેલાવવા પોતાનાં પાળીતાઓને ભારે ઉદ્યોગોનું મંત્રાલય અપાવવા અને નાગરિક ઉડ્ડયન ખાતામાં પોતાના માણસને ગોઠવવા આકાશપાતાળ એક કરી રહ્યું હતું. સમસ્યા એ હતી કે આ બધી જ ભલામણોનું અને લોબિંગનું દબાણ છેવટે તર્પણ પર જ આવતું હતું. જેમ કોઈપણ દેવને કરેલા નમસ્કાર નારાયણ તરફ જતા હોય છે, લોકશક્તિ મંચમાં કરેલી ભલામણો છેવટે તર્પણ તરફ જ જતી. જગત આખું જાણતું હતું કે, લોકશક્તિ મંચમાં તર્પણની ઈચ્છા વિરૂદ્ધ પાંદડું પણ હલતું નથી. તેથી જ આવી વાત જયાં લગી તર્પણ સુધી ન પહોંચાડાય, તેનો કશો જ અર્થ સરતો ન હતો.
પ્રચંડ દબાણ અને કાવાદાવા વચ્ચે લોકશક્તિ મંચ આજે વડાપ્રધાન નક્કી કરવા જઈ રહ્યો હતો. સવારનાં દસના ટકોરે બેઠક શરૂ થવાની હતી. વ્હાઈટ શોર્ટ શર્ટ અને લાઈટ બ્લ્યુ જીન્સ ધારણ કરી તર્પણે પોતાનાં શર્ટ પર પરફ્યુમ છાંટ્યું. તમાકુનો તેને શોખ કે બંધાણ નહોતું પરંતુ ટોબેકો ફલેવરનું અતિ સ્ટ્રોંગ પરફયુમ તેની નબળાઈ હતી. એ જયારે બહુ ખુશ હોય ત્યારે પરફ્યુમથી લથપથ થઈ જતો. આવી રીતે જ્યારે એ દોસ્તોને મળતો, વિવેક મજાકમાં કહેતો:
‘લો! આ આવી ગઈ પરફ્યુમની હરતીફરતી બોટલ! આપણો મઘમઘતો નેતા!’
આજે પણ એ સંસદ ભવનમાં આવેલા પાર્ટીના કાર્યાલયમાં પહોંચ્યો કે પુરૂષોત્તમે તેને ભેટીને ઉંડા-ઉંડા શ્ર્વાસ લીધા, કાનમાં તર્પણને કહ્યું,
‘બધું પાર્ટી ફંડ અત્તરમાં ખર્ચ નહીં કરી નાંખતો, હજુ આપણે ઘણી ચૂંટણીઓ લડવાની છે!’
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હોય છે તેમ લોકશક્તિ મંચના નેતાઓએ
ઓવલ આકારનાં વિશાળ ટેબલની ફરતે પોતાની બેઠક ધારણ કરી લીધી હતી
‘…એક સુદૃઢ, મજબૂત અને કામ કરનારી સરકારનાં નેતા તરીકે, વડાપ્રધાન તરીકે હું પુરૂષોત્તમ પાટિલના નામનો પ્રસ્તાવ મુકું છું…!’
બેઉ મિત્રો એકબીજા સામે જોઈ હળવું હસ્યા. આસપાસ લોકોની ભીડ ન હોત તો આ મજાક હજુ બહુ લાંબી ચાલી હોત. ઉપસ્થિત સૌ મહાનુભાવો એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા, તર્પણને બધા શબ્દોના ફૂલોથી વધાવી રહ્યા હતાં. થોડીવારમાં જ વિવેકનું આગમન થયું. આજે તેનો ઠાઠ અલગ હતો. ડીઝાઈનર ઈટાલિયન સૂટમાં એ એકદમ આકર્ષક લાગતો હતો. ધનકુબેર પરિવારના સંતાનોના મુખ પર સંપત્તિનું જે તેજ હોય છે-તેવું વિવેકના મુખ પર પણ હતું. આ ઝગમગાટ તેનાં વ્યક્તિત્વની આકર્ષકતામાં વધારો કરતો હતો. તેનું આગમન થયું ત્યાં જ કોઈ બોલ્યું:
‘આ આવી ગયા આપણાં મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર!’
વિવેકના ચહેરા પર સ્મિત હતું. પુરૂષોત્તમ પણ વિવેકની નજીક જઈ હળવાશથી બોલ્યો: ‘અમ ગરીબ મંત્રીનું ધ્યાન રાખજો, સાહેબ! બેઉ મિત્રો ગળે મળ્યા. તર્પણને પણ એ ભેટ્યો. બેઠક શરૂ થવા જઈ રહી હતી.’
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હોય છે તેમ લોકશક્તિ મંચના નેતાઓએ ઓવલ આકારનાં વિશાળ ટેબલની ફરતે પોતાની બેઠક ધારણ કરી લીધી હતી. અધ્યક્ષની ખૂરશી પરથી તર્પણએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી:
‘મિત્રો અને વડિલો, આપ સૌનું અહીં અભિવાદન કરું છું. એક વિક્રમજનક અને ભવ્યાતિભવ્ય વિજય માટે આપ સૌને અભિનંદન! હું બહુ લાંબી વાત નહીં કરું કારણ કે, આ કોઈ સભાનો મંચ નથી. દેશવાસીઓએ બહુ અપેક્ષાઓ રાખીને આપણને આ કઠિન જવાબદારી સોંપી છે, તે નિભાવ્યે જ છૂટકો. હું માનું છું કે, એ વાતમાં અહીં ઉપસ્થિત લોકોમાંથી કોઈને શંકા નહીં હોય કે, આપણે સૌ એક મિશન સાથે અહીં પહોંચ્યા છીએ. આ કમનસીબ રાષ્ટ્રએ ઘણી નબળી સરકારોને સહન કરી છે. કુદરતી ન્યાય મુજબ પણ ઓટ પછી ભરતી આવે છે અને ભરતી પછી ઓટ આવે તેમ આ દેશ હવે એક કાર્યક્ષમ સરકાર મેળવવા હક્કદાર છે! આવી જ એક મજબૂત સરકારનું નેતૃત્વ કરી શકે તેવા સક્ષમ વડાપ્રધાન શોધવા માટે આપણે આજે એકઠા થયા છીએ…’ તર્પણએ એક પોઝ લીધો. પક્ષના ઉપસ્થિત નેતાઓને ખ્યાલ આવી ગયો હતો કે, વડાપ્રધાન તરીકે વિવેકના નામનો પ્રસ્તાવ મૂકાવાને હવે વધુ વાર નહોતી.
તર્પણએ પોતાની સામે પડેલી મિનરલ વોટરની બોટલમાંથી કાચનાં ગ્લાસમાં પાણી રેડ્યું. એક જ શ્ર્વાસે એ આખો ગ્લાસ પાણી ગટગટાવી ગયો. કોન્ફરન્સ રૂમમાં શાંતિ છવાયેલી હતી. બધાં જ લોકોની નજર તર્પણ ભણી હતી. બસ, એ વિવેકનું નામ એનાઉન્સ કરે કે ટેબલ થપથપાવી તાળીઓ વગાડવા સૌ તૈયાર હતા. ખોંખારો ખાઈ તર્પણએ પોતાની વાત આગળ ચલાવી: ‘…એક સુદૃઢ, મજબૂત અને કામ કરનારી સરકારનાં નેતા તરીકે, વડાપ્રધાન તરીકે હું પુરૂષોત્તમ પાટિલના નામનો પ્રસ્તાવ મુકું છું…!’ જાણે આઠ-દસ રિકટર સ્કેલનો ધરતીકંપ આવ્યો હોય અને તેનું કેન્દ્રબિંદુ આ કોન્ફરન્સ રૂમની નીચે જ હોય તેમ આખો હોલ ધણધણી ઉઠ્યો હતો. કાપો તો લોહી ન નીકળે તેવી રીતે બધાં થીજી ગયા હતા. આખું વાતાવરણ બોઝિલ હતું અને હોલમાં સ્તબ્ધતા પથરાયેલી હતી. શું પ્રતિક્રિયા આપવી એ મોટાભાગનાં લોકોને સમજાતું નહોતું. બાકી બધાં તો સમજ્યા, ખુદ પુરૂષોત્તમ પણ દંગ રહી ગયો હતો. તેને ખુદને પણ એ વાતની કલ્પના ન હતી કે, તર્પણ તેનાં નામનો પ્રસ્તાવ મુકશે.
વિવેક પણ સ્તબ્ધ હતો, કોઈ કશું બોલી શકાયું નહીં: થોડી ક્ષણોની ખામોશી પછી સાંસદ પ્રશાંત ચેટરજીએ વાંધો ઉઠાવ્યો
‘હાઉ કુડ યુ ડુ ધીસ? આઈ મીન… વિવેક ઈઝ અવર ચોઈસ, કોઈ આ વાતની કલ્પના પણ કેવી રીતે કરી શકે! ગિવ મી અ સિંગલ રીઝન…વ્હાય નોટ વિવેક?’
તર્પણના પ્રસ્તાવ બદલ આનંદ વ્યક્ત કરવો, સાદર અસ્વીકાર કરવો કે ભાવશૂન્ય રહેવું… ત્રણમાંથી કયો વિકલ્પ અપનાવવો એ તેને સમજાતું નહોતું. પરંતુ અજાણતાં જ તેમાંથી ત્રીજો વિકલ્પ અપનાવાઈ ગયો. એ અવાચક હતો, શું બોલવું એ તેને સમજાતું નહોતું.
વિવેક પણ સ્તબ્ધ હતો. કોઈ કશું બોલી શકાયું નહીં. થોડી ક્ષણોની ખામોશી પછી સાંસદ પ્રશાંત ચેટરજીએ વાંધો ઉઠાવ્યો:
‘હાઉ કુડ યુ ડુ ધીસ? આઈ મીન… વિવેક ઈઝ અવર ચોઈસ. કોઈ આ વાતની કલ્પના પણ કેવી રીતે કરી શકે! ગિવ મી અ સિંગલ રીઝન… વ્હાય નોટ વિવેક?’
પ્રશાંત ચેટરજી બંગાળથી ચૂંટાયો હતો અને એ બહુ વર્ષોથી વિવેકની નજીક ગણાતો હતો. બંગાળના અન્ય નેતાઓની માફક તેનાં રંગસૂત્રમાં પણ વત્તાઓછા અંશે ડાબેરી વિચારધારાનું વિષ ઘોળાયેલું હતું. તેણે કહેલી વાત તર્પણને શૂળની માફક ખૂંચી હોય એવું લાગ્યું. તેણે ટૂંકો જવાબ આપ્યો:
‘મિત્ર ચેટરજી! મેં આ વાત પર તમારો સાથ નથી માંગ્યો પણ મને મારો નિર્ણય સંભળાવ્યો છે!’
તર્પણનો અવાજ બધાએ અગાઉ પણ સાંભળ્યો હતો પરંતુ તેનાં સ્વરમાં આવી સખ્તાઈ પહેલા ક્યારેય પડઘાઈ નહોતી. કોઈ કાળમિંઢ શીલાને પણ ચીરી શકે તેવી ધાર તેનાં શબ્દોમાં આજે અનૂભવાતી હતી. ચેટરજી પણ ગાજ્યો જાય એવો નહોતો. ટિપિકલ બંગાળી નેતાની જેમ એ લડાયક મિજાજનો હતો. સંસદનો રેકર્ડ તપાસીએ તો પણ ખ્યાલ આવી જાય કે, બંગાળી-બિહારી નેતાઓ કદી ચૂપ રહેતા નથી અને ગુજરાતી નેતાઓ કયારેય મોઢું ખોલતા નથી. તર્પણનો જવાબ સાંભળી તેણે ફરી વિરોધ
નોંધાવ્યો:
‘…બટ ડિડ યુ થિન્ક અબાઉટ અવર ઈમેજ? આઈ એમ સોરી… પણ પ્રજામાં આપણી આબરૂ ધૂળધાણી થઈ જશે. પુરૂષોત્તમ પાટિલ મારા સાથીદાર જ છે પરંતુ હાર્ડલાઈનર તરીકેની તેમની ઈમેજ હંમેશા ચર્ચાસ્પદ રહી છે, તેમનાં વિવાદાસ્પદ નિવેદનોએ ઘણી વખત વિરોધીઓને આપણી વિરૂદ્ધ બોલવાનો સારો મસાલો પૂરો પાડ્યો છે. આપણે ગાંધીજીના સિદ્ધાંતોના નામે આપણું પોલિટિકસ કરતાં રહ્યા છીએ. આમાં ગાંધીને આપણે કયાં ફોલો કર્યા? તેઓ હયાત હોત તો શું તેઓ આવો નિર્ણય કયારેય લઈ શકે? તમારી વાત સાંભળીને મને લાગે છે, વન્સ અગેઈન વી હેવ કિલ્ડ મહાત્મા!’
ચેટરજીએ જાણે તર્પણની દુ:ખતી રગ પર હાથ મૂકી દીધો હતો. તેનો ચહેરો એકદમ તંગ બની ગયો, ચહેરાની નસો ખેંચાવા લાગી. છાતીમાં પેલી ત્રણ જગ્યાએ ફરી તેને દર્દ
ઉપડ્યું હતું. તેનો સ્વર હવે પહેલા કરતાં પણ વધુ રૂક્ષ થયો હતો. એ બોલ્યો:
‘…દોસ્ત ચેટરજી, અહીં આ દેશમાં દરરોજ ગાંધીનું ખૂન થતું રહે છે. કહો કે, પ્રતિપળ તેમની હત્યા થાય છે. છતાં તેમને કોઈ મિટાવી શક્યું નથી!’ ક્ષણભર માટે તેને મન થઈ ગયું બોલવાનું કે, ‘આ રહ્યો તમારી સામે. જીવતો-જાગતો, વન પિસમાં!’ પણ પોતાની જાત પર તેણે કાબૂ કર્યો. અને પોતાની વાત આગળ ચલાવી:
‘…અને હું માનું છું કે, ગાંધીજી જો મારી જગ્યાએ હોત તો એમણે એ જ નિર્ણય લીધો હોત જે આજે મેં લીધો છે! મને એમની નિષ્ઠા પર અને ખેલદિલી પર બિલકુલ શંકા નથી. તમને શું લાગે છે: તેઓ આજે હયાત હોત તો રેંટિયો કાંતતા હોત? ના. તેઓ ગામડે-ગામડે કમ્પ્યુટર્સ પહોંચાડવા ઝૂંબેશ ચલાવતા હોત. કમ ઓન. દોસ્તો! વિવેક અને પુરૂષોત્તમ મારા માટે બે આંખ સમાન છે. વહાલા-દવલાનો પ્રશ્ર્ન જ નથી. હું તો એટલું જ વિચારું છું કે, દેશ માટે અત્યારે કોની તાજપોશિ વધુ ઉપકારક છે. તમે સૌ જાણો છો તેમ મારો અંગત સ્વાર્થ હોવાનો પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ મને લાગે છે કે, મારો નિર્ણય તમારામાંથી કેટલાકને ગમ્યો નથી. જો સર્વાનુમતિ સધાવાની
ન હોય તો હું આ ખંડ છોડી ચાલ્યો જઉ…’
ઈમોશનલ બ્લેક મેઈલિંગના પૂર્વજન્મનાં સંસ્કારો જાણે તેનામાં જાગી ગયા હોય એવું લાગતું હતું. જિદ્દ કરીને પણ પોતાની વાત મનાવવાની પોતાની કૂટેવ જ કયારેક સારું પરિણામ લાવવાની છે એ તેને ખ્યાલ ન હતો! બેઠક છોડીને ચાલ્યા જવાની તેની ધમકી એ જાણે બધાંના પર જાદુ પાથર્યો હોય એવી અસર થઈ. સૌ જાણતા હતા કે, તર્પણ શર્મા એ લોકશક્તિ મંચના પર્યાયનું નામ છે. એ છે તો પાર્ટી છે. લોકોમાં તેની લોકપ્રિયતા એવી છે કે, તેની વિરૂદ્ધ બોલનાર આપોઆપ પ્રજામાં ખલનાયક તરીકે ખપી જાય છે. પછી એ અંદરથી નાયક હોય તો પણ કશો જ ફરક પડતો નથી. કારણ કે, તર્પણ એક મહાનાયક હતો. પાર્ટીમાં પણ તેનાં મૂળિયાં ઉંડે સુધી પથરાયેલા હતા. પક્ષનો એ સૌથી વધુ સેલેબલ ચહેરો હતો. તેનું વાકય એ મોટાભાગનાં પાર્ટીના નેતાઓ માટે બ્રહ્મવાકય હતું. જાણે શાસ્ત્રનું વિધાન કે શ્ર્લોક જ ગણી લો. તેમાં ફેરફાર થવાનો સંભવ જ ન હોય. હા! તેનું અર્થઘટન અલગઅલગ રીતે થઈ શકે!
તર્પણની ધમકી પછી વિવેકએ બાજી સંભાળી લીધી. અત્યાર સુધી ચહેરા પર કોઈ અકળ ભાવ ધારણ કરીને બેઠેલા વિવેકએ જ તર્પણની વાત ખતમ થઈ ત્યાં કહ્યું:
‘સ્ટોપ ઈટ, ચેટરજી. પ્લીઝ! તર્પણએ જે કંઈ કર્યુ એ વિચારીને કર્યુ હશે. હું તેના પ્રસ્તાવનું સમર્થન કરું છું! અને આશા રાખું છું કે, આપણે સૌ તેને વધાવી લઈશું!’
વિવેકએ દરમિયાનગીરી ન કરી હોત તો પણ નેતાઓ તર્પણનો પ્રસ્તાવ વધાવી લેવાની તૈયારીમાં જ હતા. વિવેક બોલ્યો તેનો ફાયદો એ થયો કે, ચેટરજી તર્પણના વિશ્ર્વાસુ તેવાં લોકો માટે પણ હવે દલિલોનો અવકાશ બચતો ન હતો. તર્પણના પ્રસ્તાવ પર એ પછીની પાંચ મિનિટમાં સર્વાનુમતિ સધાઈ ગઈ અને બધાએ તેને તથા તેની ખાસ પસંદગી એવા પુરૂષોત્તમને તાળીઓથી વધાવી લીધા. જો કે, પુરૂષોત્તમએ એક શરત મૂકી હતી કે, એ આ પદ તો જ સ્વીકારશે જો તર્પણ શર્મા નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ (એનએસી)નો ચેરમેન બનશે! શરૂઆતની આનાકાની પછી તર્પણ શર્માએ ઝૂકવું પડયું હતું. પુરૂષોત્તમે કરેલા આગ્રહને બાકીનાં બધાએ પછી એટલી હદે વધાવી લીધો હતો કે, તર્પણ પાસે બીજો કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો.
(ક્રમશ:)