પ્રેમ ચડ્યો પસલીભર જેને, વાણીમાં વરતાઈ જવાના
પારાવાર પ્રિય જિંદગી,
તું મારી આંખોનો ઘેઘૂર ચંદરવો છે. હું તને ક્ષણે ક્ષણે આંખમાં આંજું છું… હૃદય પર ધારણ કરું છું અને શરીરના બધાં જ તત્વોમાં અનુભવું છું. તું મારાથી સહેજ પણ દૂર નથી કે હું તારાથી જરા પણ અળગો નથી. આ આપણું એકત્વ છે. જેમ રજકણ વાતાવરણમાં ભળી જાય એમ હું તારામાં ઓગળી ગયો છું. તું મારું એ તત્ત્વ છે જેમાં સત્વ છે… સાતત્ય છે અને સત્ય છે. તારા હાથની અમૃત મને સંજીવની આપી રહ્યું છે. તારી આંખોમાં નીતરતો પ્રેમ મને જીવનરૂપી સ્વર્ગના દરવાજા આગળ ઊભો રાખે છે. તું મારી રગ રગમાં વહેતું પ્રેમનું એ ઝરણું છે જે ક્યારેય સૂકાય નહીં, અવિરત વહ્યાં જ કરે. માણસના જીવનમાં ધન્યતાની ક્ષણો ખૂબ જ ઓછી આવતી હોય છે. એ બધી જ ક્ષણોને જીવી લેનાર માણસ જ સાચું જીવન જીવે છે એવી મારી માન્યતા છે અને મેં એ ક્ષણને તો ક્ષણે ક્ષણે અનુભવી છે અને હૃદયમાં ભરી છે. વિનાશક વાવાઝોડા કે તોફાનની વીતી ગયેલી ક્ષણ પછી હું અડીખમ ઊભો છું તો એનું કારણ તું છે. મારામાં નવા શ્વાસોશ્વાસ ભરી તું મને સતત ધબકતો રાખે છે. તારો સાથ જ મારાં જીવનનું મૂળ કારણ છે.
તું મારી આંખોમાં ડોકાતો એ અનર્ગળ પ્રેમ છે જે મારાં બધાં જ દુ:ખની દવા બની મને રાહત આપે છે. તારી છાતીમાં ઉમટતું ઘોડાપૂર મને આપણી દુનિયામાં રમમાણ રહેવા ફક્ત ઈજન જ નથી આપતું પણ ફૂલ વેરીને જાણે એવું કહી રહ્યું છે કે આ જ તારું સાચું જીવન છે, એને ભરપૂર જીવી જા. પછી, હું ઊછળતો, કૂદતો તારી છાતીમાં ભરાઈ જીવનના મર્મને માણું છું. હું સતત ખુશ રહું છું કારણ કે તારા પ્રેમની સામે દુનિયાનું કોઈપણ દુ:ખ મને પીડી શકતું નથી. જિંદગી! હું તને ભરપૂર ચાહું છું કારણ કે તું પ્રેમની બધી જ વ્યાખ્યાઓથી પર એવો મારો શુદ્ધ આત્મા છે જેને પ્રેમ જેવી કોઈ વ્યાખ્યાની જરૂર નથી. તું મારાં હૃદય ભીતર ધબકતું લાગણીનું એવું લીલુંછમ વન છે જ્યાં કુદરતે ચારેય હાથે પોતાનું અઢળક સૌંદર્ય વેર્યું છે. તું મારો એ હૃદયઝરૂખો છે જ્યાં હું આરામથી બેસીને મને પોતાને જોઈ શકું છું. હું એ પણ બહુ સારી રીતે જાણું છું કે તારા સાંનિધ્યથી મારામાં જીવંતતા આવી જાય છે. તારા સાથથી હું ઝૂમી ઊઠું છું. તારામાં સતત પરોવાઈને હું જીવાતી દરેક ક્ષણને સુખના ગુણાકારથી ગુણું છું. તું મારી યાતનાઓની નજર બાંધી, તારી નજરના જાદુથી મને સુરક્ષિત રાખે છે. ધોધમાર જીવવાની ઝંખનાના અભરખા સાચા પાડવા માટે હું સતત મારી સાથે લડું છું. તું સાથે હોય છે ત્યારે મને જીવવું વધું વહાલું લાગે છે, દુ:ખને કાખઘોડી બનાવી મારી નીચે દબાવી દઉં છું. જેટલી વાર તારા વિશે વિચારું છું એટલી વાર આનંદનું લખલખું આવી મારી અંદર સમાઈ જાય છે, જાણે ખુદ જિંદગી જ અંદર પલાંઠી લગાવીને બેસી ગઈ હોય એવું લાગે છે. પછી અંદર બહાર વિશે કોઈ ફરક નથી રહેતો. હું ખોવાઈ જાઉં છું, ખુદને જડું છું… ફરીથી તને શોધવા ભીતર એક ડૂબકી લગાવું છું… તું જડી જાય છે… ફરીથી ખોવાઈ જાઉં છું… આમ, ખોવાઈ જવું અને ખોળવું આ ક્રિયા દરેક શ્વાસોશ્વાસ વખતે ચાલ્યાં કરે છે. દુનિયા માટે આ યોગ છે અને મારાં માટે જિંદગીને પામવાની એક ક્રિયા. જિંદગી! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણ કે તું શ્વાસની લગોલગ રહેલી મારી એ સ્થિતિ છે જે ન હોય તો શ્વાસનું કોઈ જ વજૂદ નથી. તને સતત શ્વસતો…
તારો જીવ.
(શીર્ષકપંકિત:- હરજીવન દાફડા)


