જેનો ટેક્સ ચુકવીએ છીએ, તે પાયાની સુવિધા
માટે રસ્તા પર ઉતરવું પડે તે શરમજનક છે : રહીશો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ તિરુપતિ સોસાયટીના રહીશોએ રસ્તાની દુર્દશા સામે આજે રસ્તા પર ઉતરી મનપા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, વરસાદની સીઝનમાં તો ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ વધતી રહી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ રસ્તાની મરામત માટે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી. રસ્તાની હાલત એટલી નાજુક છે કે તેનાથી બાળકો, વડીલો અને મહિલા વાહનચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શનિવારના રોજ તિરુપતિ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી શાંતિપૂર્ણ રીતે પ્લેકાર્ડ સાથે મનપા સામે નારાજગી વ્યક્ત કરી. રહીશોએ નારાબાજી કરતાં જણાવ્યું કે, “જ્યાં આપણે ટેક્સ ચુકવીએ છીએ, ત્યાં જ પાયાની સુવિધાઓ માટે રસ્તા પર ઉતરવું પડે તે શરમજનક છે.” પ્રદર્શન દરમ્યાન મહિલાઓએ પણ ખુલ્લેઆમ કહ્યું કે, “અમે રોજના ઘરકામ માટે બહાર જઈએ છીએ ત્યારે રસ્તાના ખાડાઓમાં ચાલવુ મુશકેલ બને છે પણ સ્કૂટર ચલાવવું તો ખૂબ જ ભયજનક છે.” રહેવાનીઓની મુખ્ય માંગ છે કે મનપા તાત્કાલિક તિરુપતિ સોસાયટીના મુખ્ય માર્ગને નવા ગટરલાઇન તથા ડામરના રસ્તા સાથે ઝડપથી સુદૃઢ બનાવે. આ મુદ્દે રહેવાસીઓએ એક લેખિત આવેદન પણ સ્થાનિક કોર્પોરેટરને અને મનપાના ઝોનલ અધિકારીને સોંપ્યું છે.